________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૭૧
મારો શયનખંડ અશ્રુજલથી ભીનો થઈ ગયો હતો, એ ભીનાશમાં ઋષિદત્તાની છાયા મને દેખાવા લાગી.... જાણે મને દિલાસો આપવા ન આવી હોય. મેં ‘ઋષિદત્તા... ઋષિદત્તા....' બૂમ પાડી.... માતાએ મને પકડીને પલંગ ઉપર સુવાડ્યો અને પંખો લઈ મને હવા નાંખવા લાગી.
દિવસો એક પછી એક વીતતા હતા. મારું મન ધીરે ધીરે પરમાત્માની ભક્તિ તરફ વળતું હતું, કારણ કે ઋષિદત્તાને પરમાત્મભક્તિ ખૂબ ગમતી હતી. ઋષિદત્તા જે પરમાત્મભક્તિનાં ગીતો ગાતી, તે ગીતો મને યાદ હતાં, હું એ જ ગીતો ગાવા માંડ્યો. દુનિયાદારીની વાતો મને અણગમતી થઈ હતી. રાજકારભારની વાતોથી હું સાવ અલિપ્ત થઈ ગયો હતો. પિતાજીની સાથે હું કોઈ જ વાત કરતો ન હતો,
ધીરે ધીરે પિતાજી તરફનો મારો રોષ ઓછો થઈ ગયો હતો, પરંતુ તે છતાં એમના પ્રત્યે હૃદયમાં સદૂભાવ તો જાગી શકે એમ હતો જ નહીં. ઋષિદત્તા સાથે તેમણે કરેલો ભયંકર દુર્વ્યવહાર હું ભૂલી શકું એમ હતો જ નહીં. બીજી બાજુ, મારું મન રાજપાટથી વિરક્ત બની ગયું હતું. પિતાજી તરફથી મને કોઈ અપેક્ષાઓ રહી ન હતી. એક દિવસ મેં માતાને કહ્યું પણ હતું કે ‘હું ઋષિદત્તાના આશ્રમમાં જઈને મારું શેષ જીવન વ્યતીત કરવા ઇચ્છું છું. મને
આ રાજમહેલ અને રાજમહેલના વૈભવો ઉપર જરાય રાગ નથી.' પરંતુ માતાએ મને અનુમતિ ન આપી. ખેર, તે છતાં મેં ધીરે ધીરે રાજકુમારના જીવનનો ત્યાગ કરી, સામાન્ય મનુષ્યનું જીવન જીવવા માંડ્યું હતું.
પિતાજીના મનમાં એમ હશે કે ‘દુઃખનું ઓસડ દહાડા! દિવસો વીતતા જશે તેમ કુમાર ઋષિદત્તાને ભૂલતો જશે....’ પરંતુ એમની ધારણા ખોટી પડી. હું ઋષિદત્તાને ભૂલી શક્યો જ નહીં, ઋષિદત્તાના સ્થાને બીજી કોઈ સ્ત્રી પ્રત્યે અનુરાગી પણ બની શક્યો નહીં. મારા મનમાં કોઈ પણ સ્ત્રી પ્રત્યે અનુરાગ જ જન્મતો ન હતો, મેં મારા હૃદયનો પ્રેમ પરમાત્માના ચરણે ધરી દીધો હતો.
પિતાજીએ મારી માતા દ્વારા મને બીજી કોઈ રાજકુમારી સાથે લગ્ન કરી લેવા સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારા માટે એ વાત અશક્ય હતી. મેં નમ્રતાપૂર્વક માતાને કહી દીધું કે ‘મારી પાસે આ વાત તું ક્યારેય કરીશ નહીં. મારા જીવનમાં હવે બીજી કોઈ સ્ત્રી પ્રવેશી શકશે નહીં.' માતા મારું મન દુખવવામાં જરાય રાજી ન હતી. એ તો પ્રતિપળ મારા સુખનો જ વિચાર કરનારી હતી, મારા દુઃખે દુ:ખી થનારી હતી. ઋષિદત્તા પ્રત્યે પણ માતાના હૃદયમાં તો મમતા જ હતી. ઋષિદત્તાને માતા નિર્દોષ જ માનતી હતી.
For Private And Personal Use Only