________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦.
પાંપણે બાંધ્યું પાણિયારું બિરાજમાન ભગવાન ઋષભદેવની ભૂમિ યાદ આવી ગઈ. ઋષિદત્તા સાથે દિવસો સુધી એ પરમાત્માનાં દર્શન-પૂજન કર્યા હતાં. કલાકોના કલાકો એ પરમાત્માનાં સ્તવન ગાવામાં વિતાવ્યાં હતાં. એ બધું એવું યાદ આવી ગયું કે હું પલંગથી નીચે ઊતરી ગયો અને શયનગૃહના દ્વારે પહોંચી ગયો. આશ્રમે પહોંચી જવા મન તડપી રહ્યું. ત્યાં સામે જ મારી માતા આવીને ઊભી, મારા બંને હાથ પોતાના હાથમાં લઈ માતાએ સ્નેહભર્યા શબ્દોમાં પૂછ્યું : વત્સ! ક્યાં જવું છે?” હું મૌન રહ્યો. માતાની સામે જોઈ રહ્યો.
બેટા, જો તારે ઉદ્યાનમાં જવું હોય તો રથ મંગાવું અને હું પણ તારી સાથે આવું! હવે તું કંઈક સ્વસ્થ થા... તારી બેચેની... તારો વિષાદ મારાથી હવે સહન નથી થતો..” માતાએ સાડીના પાલવથી આંસુ લૂક્યાં, માતાને કહ્યું :
મા, મારે ઋષિદત્તાના આશ્રમમાં જવું છે. ત્યાં ભગવાન ઋષભદેવનું મંદિર છે. એ મંદિર મને ખૂબ ગમે છે. મારે ત્યાં જવું છે.. તું ચાલ મારી સાથે.” માતા મારી સામે જોઈ રહી. મેં કહ્યું :
“મા, તું ચાલ મારી સાથે અને જો એ આશ્રમને, જ્યાં ઋષિદત્તા જન્મી હતી અને ઊછરી હતી. એવા પવિત્ર સ્થળમાં જન્મનાર અને ઊછરનાર કન્યા શું હિંસક હોઈ શકે? ત્યાં તો હિંસક પશુઓ અને હિંસક માણસો પણ અહિંસક બની જાય! એ આશ્રમની ધૂળમાંથી દયા અને કરુણાનાં પુષ્પો ખીલે છે. એ આશ્રમની હવામાં પ્રેમનું સંગીત ગુંજે છે, મા! તું એક વાર જો એ આશ્રમને. અને પછી મારા પિતાજીને બતાવ. એ પરમાત્મા ઋષભદેવના રમણીય મંદિરને જોજે. પરમાત્માની મનોહર મૂર્તિનાં દર્શન કરજે. એ બધું તું પ્રત્યક્ષ જો. પિતાજી પ્રત્યક્ષ જુએ ત્યારે ઋષિદત્તાને, એના વ્યક્તિત્વને ઓળખી શકશે.”
હું આ બધું એકી શ્વાસે બોલી રહ્યો હતો. કદાચ આ ભાવાવેશમાં મારી તબિયત બગડી જાય, તેથી માતાને ગભરામણ થઈ ગઈ! માતાએ કહ્યું :
વત્સ, તું સ્વસ્થ થઈ જા. પછી હું તારી સાથે એ આશ્રમમાં આવીશ. ભગવાન ઋષભદેવનાં દર્શન કરીશ અને રાજર્ષિની સમાધિને સ્પર્શ કરી કૃતાર્થ થઈશ.... પરંતુ બેટા, હવે તું વિષાદ ત્યજી દે. હવે તું રાજકાજમાં તારા મનને પરોવી દે.” સ્નેહથી વિવશ કરવાનો પ્રયત્ન કરતી માતાએ મારા મસ્તકે આલિંગન આપ્યું, મારું મન આક્રંદ કરી રહ્યું હતું. મેં માતાના ખોળામાં મારું મસ્તક ઢાળી દીધું. હું રુદનને રોકી શક્યો નહીં. માં પણ ચોધાર આંસુએ રડી પડી.
For Private And Personal Use Only