________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું હતો. હા, મારી કથળતી જતી તબિયતના કારણે કદાચ તેઓ ચિંતાતુર હશે... કારણ કે હું એમનો પુત્ર હતો ને?
મને જેમ ભોજન, વસ્ત્ર, આભૂષણ ઉપર કોઈ રાગ ન રહ્યો, તેમ સંસારની કોઈ વ્યક્તિ પ્રત્યે પણ પ્રેમ ન રહ્યો. મારું મન વિરક્ત બનતું ગયું. સમગ્ર સંસાર ઉદાસીનતાથી ભરેલો ભાસવા લાગ્યો. હું રાજમહેલની બહાર જતો ન હતો. ક્યાં જાઉં? ક્યારેક સંધ્યા સમયે મારા મહેલના ઝરૂખે ઊભો રહી ડૂબતા સૂર્યને જોતો, ક્યારેક દૂર દૂર ચાલી જતી મૌન વણઝારોને જોતો! મારું મન નિરાશાપૂર્ણ વિરક્તિમાં ડૂબી જતું હતું.
જીવન કરતાં મને મૃત્યુ વધારે ગમવા લાગ્યું. જીવન જીવવાનું કોઈ પ્રયોજન રહ્યું ન હતું. અલબત્ત ત્યારે હું જાણતો ન હતો કે મૃત્યુ પછી પણ જીવન મળવાનું હોય છે! મૃત્યુ પછી મળનારું એ જીવન કેવું હોય છે, એ તત્ત્વજ્ઞાન મારી પાસે ન હતું. હું તો મારા વિષાદપૂર્ણ જીવનને જીરવવા શક્તિમાન ન હતી... એટલે મૃત્યુ સાથે વહાલ કરવા માંડ્યો હતો. હા, ઊંડે ઊંડે એ ઝંખના હતી કે મૃત્યુ પછીના જીવનમાં ઋષિદત્તા મળી જાય તો?
બાલ્યકાળમાં માતા પાસે સાંભળેલી વાર્તાઓમાં મેં એવું સાંભળેલું હતું કે વર્તમાન જીવનનાં પ્રેમી યુગલો જો એમનો પ્રેમ સાચો હોય તો બીજા જીવનમાં પણ એમનું મિલન થાય છે....... મારા હૃદયમાં મૃત્યુ પછીના ઋષિદત્તા સાથેના મિલનની ઝંખના જાગી ગઈ. હું ખૂબ વિહ્વળ બની ગયો. આપઘાત કરીને જીવનનો અંત લાવી દેવાના વિચારોથી હું ઘેરાઈ ગયો; પરંતુ મારી આસપાસ પિતાજીએ એવો ચોકીપહેરો મૂકી દીધો હતો કે હું એવું કંઈ જ કરી શકવા અસમર્થ હતો. કદાચ પિતાજીને મારી મનઃસ્થિતિનો ખ્યાલ આવી ગયો હશે!
મેં પિતાજીની પાસે જવાનું છોડી દીધું હતું. હું એમની સામે જોવા કે એમની સાથે બોલવા પણ રાજી ન હતો. પિતાજીએ પણ મૌન ધારણ કર્યું હતું. માત્ર મારી માતા મારા શયનખંડમાં અવારનવાર આવી જતી હતી. મારા માથે હાથ મૂકી થોડી ક્ષણ પંપાળી જતી હતી, મૌનપણે સંવેદના વ્યક્ત કરી જતી હતી. નોકરો અને દાસીઓ યંત્રવતુ પોતાનાં કામ કર્યે જતાં હતાં. હું જાણતો હતો કે એ સહુનાં હૈયાં ઋષિદત્તા વિના સૂનાં સૂનાં હતાં. મારી વેદના એમનાં હૈયાંની વેદના બની ગઈ હતી. મને ક્યારેક એ પરિચારકો અને પરિચારિકાઓ પ્રત્યે દયાં પણ આવી જતી હતી.... છતાં એક શબ્દ પણ બોલી શકતો ન હતો.
વિરક્ત બનેલા મનમાં એક દિવસ ઋષિદત્તાના આશ્રમની સ્મૃતિ પ્રબળ બની ગઈ. આશ્રમમાં આવેલું ભગવાન ઋષભદેવનું મંદિર અને મંદિરમાં
For Private And Personal Use Only