________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
ના રે, મને એવી વાતો કરતાં ન આવડે!” તને આવડે છે.... તારી એ વાતો સાંભળીને મને ખૂબ આનંદ થશે. મને આનંદ નહીં આપે?”
નાથ! આપને આનંદ નહીં આપું તો કોને આપીશ? આપ મને કેટલો બધો આનંદ આપો છો?” “ક્યાં આપું છું આનંદ? આજે તો ભારોભાર વિષાદ આપ્યો છે.'
હવે એ વાત ભૂલી જાઓ... સંસારમાં આવું બધું બન્યા જ કરે! પણ એક વાત કહું?'
ઋષિદત્તાએ મારી સામે જોયું અને પૂછુયું. મેં સંમતિસૂચક માથું ધુણાવ્યું. તેણે ક્ષણભર તો શયનગૃહના વાતાયન તરફ નીલ ગગનને જોયું... અને પછી તે બોલી :
પ્રાણનાથ, મને લાગે છે કે મારા કોઈ પૂર્વજન્મનાં પાપકર્મ ઉદયમાં આવ્યાં છે. એ સિવાય મારી સાથે આવી ઘટના ન બને. ખેર, હું તો જે દુઃખ આવશે તે સહી લઈશ, પરંતુ મારી ખાતર આપને દુઃખ સહેવાનું આવે ત્યારે આપ મારો ત્યાગ....'
મેં એના મુખ ઉપર જમણો હાથ દાબી દીધો... મારા એ હાથ ઉપર એની આંખોમાંથી આંસુ ટપકી રહ્યાં હતાં. મેં બીજા હાથે એનાં આંસુ લૂછી નાંખ્યાં.... મારા ગળે ડૂમો ભરાયો હતો. રૂંધાતા સ્વરે મેં કહ્યું :
ઋષિ, એનો વિચાર પણ ન કરીશ..... તારાથી તો હું કેટલો બધો સુખી છું.. અને તારી ખાતર કદાચ દુઃખ સહેવાનું આવશે... તો તે પણ સુખ માનીને સહીશ. “સુખમાં સાથ અને દુઃખમાં ત્યાગ” એ તો અધમ માણસોનું કામ છે.”
સરળ... નિર્દોષ.... અને ભોળી ઋષિકન્યા માટે મારા પ્રાણ પાથરી દેવાની ઉત્કટ લાગણી મારા હૈયામાં જાગી ગઈ.. પણ છેવટે લાગણી ને? લાગણીઓ ક્યાં શાશ્વત્ હોય છે? ક્ષણજીવી..... પાણીના પરપોટા જેવી....
For Private And Personal Use Only