________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
પાંપણે બાંધ્યું પાણિયારું પ્રવૃત્તિ ઔચિત્યથી ભરપૂર રહેતી. વિનય અને વિવેકથી સભર રહેતી.
પરમાત્માના મંદિરે એ માતાની સાથે જતી હતી. વિવિધ રંગનાં સુગંધી પુષ્પોથી પરમાત્માની મૂર્તિને એ એવી તો સજાવતી હતી કે માતાનું મન પુલકિત બની જતું. પરમાત્માની સ્તવના કરતાં તો બંને સાસુ-વહુ ભાવવિભોર બની જતાં હતાં. ઋષિદરાના કંઠમાં એવો જાદુ ભરેલો હતો. એનું સમગ્ર વ્યક્તિત્વ જ જાદુભરેલું હતું, આ માત્ર મારું જ કથન છે એમ નહીં, માતા અને રાજપરિવારની બીજી વ્યક્તિઓનું પણ આ જ કથન હતું.
ઋષિદત્તાના સહવાસમાં આ રીતે જીવન વ્યતીત થઈ રહ્યું હતું, હજુ મહિનાઓ પણ વીત્યા ન હતા; જે દિવસો વીત્યા હતા તે પણ એટલી ઝડપથી વીત્યા હતા કે સહુને લાગતું હતું : “હજુ રાજકુમાર કાલે જ પરણીને ઘેર આવ્યો છે!”
ત્યાં એક પ્રભાતે ન બનવાની ઘટના બની ગઈ. હજુ સૂર્યોદય નહોતો થયો, ઉષાકાળ હતો, ત્યાં મહેલની બહાર કંઈક કોલાહલ સંભળાયો. ઋષિદત્તા નિદ્રાધીન હતી. હું પલંગમાંથી ઊઠ્યો અને શયનગૃહના વાતાયનમાંથી બહાર જોયું. રાજમહેલના દ્વારે માણસો બોલી રહ્યા હતા : “આજે રાત્રે નગરમાં એક પુરુષની હત્યા થઈ ગઈ છે.' અમારા નગરમાં આવો હિંસાનો બનાવ ભાગ્યે જ બનતો એટલે આ બનાવથી ચોકીદારો ચોંકી ઊઠ્યા હતા.
હું આવીને પલંગમાં બેઠો. મેં સૂતેલી ઋષિદત્તા સામે જોયું અને ચમકી ગયો.... મારી આંખો પહોળી થઈ ગઈ. ઋષિદરાનું મુખ લોહીથી ખરડાયેલું હતું! એના કપોલ ઉપર પણ લોહીના ડાઘ હતા. મેં ધ્યાનથી ઋષિદત્તાનું મુખ જોયું! આજુબાજુ જોયું... તો ઓશીકા પાસે માંસના ટુકડા જોયા! મારું માથું ભમવા લાગ્યું. મારા મનમાં તીવ્ર ગતિથી વિચારો ઊભરાવા લાગ્યા.
“નગરમાં એક માણસની હત્યા થઈ છે. બીજી બાજુ ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડાયેલું છે અને એના ઓશીકા પાસેથી માંસના ટુકડા મળી આવે છે.... શું રાત્રિના સમયે જ્યારે હું ભરનિદ્રામાં હોઈશ ત્યારે આ ઋષિદત્તાએ નગરમાં જઈને પેલા માણસની હત્યા કરી હશે? શું આ ઋષિકન્યામાં રાક્ષસ છુપાયો હશે? શું આણે જ હિંસા કરી હશે? ક્યારેય મેં આ સ્ત્રીનું આવું રૂપ જોયું નથી.... અને આ કેવી રીતે બન્યું?
જે કન્યાનો જન્મ ઋષિના આશ્રમમાં થયેલો છે, જેનો ઉછેર એક મહાત્મા પિતાની છાયામાં થયેલો.... જેને જન્મથી અહિંસા અને સત્યના પાઠ ભણાવવામાં
For Private And Personal Use Only