________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋષિદત્તાને રાજપરિવારની રહેણી-કરણીમાં ગોઠવાઈ જતાં વાર ન લાગી.
મારી માતાનું વાત્સલ્યભર્યું માર્ગદર્શન એને મળતું હતું. એ મારી માતાને સાસુ નહોતી માનતી, માતા જ માનતી હતી. મારી માતા પણ એને પુત્રી જ માનતી હતી. ‘હું સાસુ છું’ એવો વિચાર પણ માતાને આવ્યો નહીં હોય, પછી સાસુપણાનો અહંકાર એને હોય જ ક્યાંથી? માતા અને ઋષિદત્તાના પ્રેમભર્યા સંબંધોએ રાજપરિવારમાં આનંદની વૃદ્ધિ કરી હતી. હસતી-ખીલતી ઋષિદત્તાને જોઈને મારું હૃદય પ્રસન્નતાથી છલકાતું હતું. હું હંમેશાં એ ચાહતો હતો કે ‘ઋષિદત્તાને માનસિક કષ્ટ પણ ન પડવું જોઈએ.' જોકે એ પણ મારા માટે એટલી જ જાગ્રત રહેતી હતી.
એક દિવસ મેં એને પૂછ્યું : ‘ઋષિ, તને આશ્રમ યાદ આવે છે?' ત્યારે તેણે મને કહ્યું : ‘અહીં આવીને આશ્રમને તો ભૂલી જ ગઈ છું.... હું નગુણી કહેવાઉં ને? જે આશ્રમે મને વર્ષો સુધી આનંદ આપ્યો, તેને હું સાવ ભૂલી ગઈ!'
તેની મોટી મોટી આંખોમાં મેં પાણી જોયું.... મને થયું કે મેં આશ્રમ યાદ કરાવીને ભૂલ કરી! મેં વાત બદલવા પ્રયત્ન કર્યો. મેં કહ્યું : ‘ના ના, હું એ રીતે નથી પૂછતો, હું તો એ પૂછું છે કે તને અહીં રાજમહેલમાં કોઈ પ્રતિકૂળતા તો નથી ને? કોઈ ઊણપ લાગતી નથી ને ?
તેણે ભાવવિભોર થઈને કહ્યું : ‘નાથ, અહીં શાની ઊણપ હોય? અહીં શાની પ્રતિકૂળતા? આપ મારી કેટલી કાળજી રાખો છો! માતા કેવાં પ્રેમભર્યાં મને મળી ગયાં છે! માતા તો સાચે જ માતા છે.....
હું ઋષિદત્તાના નિસર્ગ પ્રેમને જાણતો હતો એટલે એને લઈને હું ઘણી વા૨ નગરથી દૂર રમણીય લીલાછમ પ્રદેશમાં જતો હતો. ખળખળ વહેતાં ઝરણાંના કિનારે બેસી એ પોતાના બંને પગ ઝરણાંના પાણીમાં નચાવતી.... ખેતરોના ઊભા પાકની વચ્ચે દોડી જઈ છુપાઈ જતી અને મારી પાસે શોધાશોધ કરાવતી.... ટેકરાઓ ઉપર દોટ મૂકીને ચઢી જતી.... હું પાછળ રહી જાઉં તો એ ખડખડાટ હસી પડતી.... પાછી આવી મારા હાથ પકડી મને ઉપર લઈ જતી. એમાંય જો કોયલના ટહુકા સાંભળવા મળતા તો તો એ નાચી ઊઠતી! એનું હાસ્ય, એનું નૃત્ય... એનું ગીત... મારા હૃદયને આનંદથી ભરી દેતું. અલબત્ત એની પ્રત્યેક
For Private And Personal Use Only