________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૪૧
માતાએ મારી સામે જોયું. મા ખૂબ પ્રસન્ન હતી. જાણે ઋષિદત્તા સાથે જનમજનમની પ્રીત હોય તેમ માતા ઋષિને ચાહવા લાગી હતી. મા હવે મારી સાથે શાંતિથી વાતો ક૨વા ઇચ્છતી હતી. તેણે દાસીને કહી દીધું કે ‘હવે કોઈને મળવા માટે આવવા ન દઈશ.’
માતાને, હું ૨થમર્દનથી કાવેરી જવા નીકળ્યો, ત્યાંથી માંડીને બધી જ વાર્તા સાંભળવાની જિજ્ઞાસા હતી. અને જિજ્ઞાસા સ્વાભાવિક હતી.... મેં અથથી ઇતિ સુધીની બધી જ વાત કહી સંભળાવી.... જ્યારે મેં રાજર્ષિ હરિષણના અગ્નિપ્રવેશની વાત કરી.... માતાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં. ઋષિદત્તા પણ માતાના ખોળામાં મુખ છુપાવીને રડી રહી હતી.... મારો સ્વર પણ ગદ્ગદ થઈ ગયો હતો. મેં તુર્ત જ વાત બદલી નાંખી. ગંભીર બની ગયેલા વાતાવરણને હળવું કરવા પ્રયત્ન કર્યો.
બધી વાતો સાંભળ્યા પછી માના હૃદયમાં ઋષિદત્તા પ્રત્યે વાત્સલ્ય વધી ગયું હતું. સાંજના ભોજનનો સમય થઈ ગયો હતો. ઋષિદત્તા રાત્રિભોજન નહોતી કરતી એટલે મેં માતાને કહ્યું :
‘મા, આ તારી પુત્રવધૂ રાત્રિભોજન નથી કરતી!'
‘બહુ સારું બેટા, હવે તારે પણ રાત્રિભોજનનો ત્યાગ થઈ જશે ને!'
‘તને ભોજન કરાવ્યા વિના એ ભોજન નહીં કરે ને!' ઋષિદત્તાએ મારી સામે જોયું.... મેં ભોજનની વાત કરી, એ એને ન ગમી હોય એમ લાગ્યું. મારા મુખ પર સ્મિત આવી ગયું.
મા ઋષિને લઈને રસોઈઘર તરફ ચાલી ગઈ. દાસીએ આવીને સમાચાર આપ્યા કે મારા મિત્રો મારી રાહ જોતા બહાર ઊભા છે. હું ઝડપથી મિત્રો પાસે પહોંચ્યો.
મિત્રો સાથે થોડીક ઔપચારિક વાતો કરી, ત્યાં તો ભોજન માટે નિમંત્રણ આવી ગયું! દાસી આવીને કહી ગઈ. પિતાજી પણ ભોજન માટે આવી ગયા હતા. મિત્રોને પછી મળવાનું કહી, વિદાય આપી, હું ભોજનગૃહમાં પહોંચ્યો, પિતાજી મારી રાહ જોતા હતા. અમે પિતા-પુત્રે ભોજન કર્યું. માતા પાસે બેસીને આગ્રહ કરી કરીને ભોજન કરાવતી હતી. ઋષિ માતાની પાછળ બેસીને સંકોચ સાથે માતાને સહાય કરતી હતી.... વચ્ચે વચ્ચે તે મારી સામે જોતી હતી.... તે મારી પ્રસન્નતાનો પ્રતિપળ ખ્યાલ રાખતી હતી....
For Private And Personal Use Only