________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૩૫
બીજા દિવસે અમે રાજર્ષિની ઉત્તરક્રિયા કરી. જે સ્થળે તેમણે દેહોત્સર્ગ કર્યો હતો, તે જગાએ એક સ્તૂપ બનાવવા મેં સેનાપતિને આજ્ઞા કરી. સેનાપતિએ તુર્ત જ મારી આજ્ઞાનો અમલ કર્યો. સ્તૂપનિર્માણનું કાર્ય આરંભી દીધું.
હું ઋષિદત્તાને લઈ ૫રમાત્મા ઋષભદેવના મંદિરમાં ગયો. પરમાત્માનાં દર્શન કરતાં કરતાં જ ઋષિદત્તા રડી પડી.... તેના જીવનમાં આ પહેલો જ દિવસ હતો.... કે એ રાજર્ષિ-પિતા વિના મંદિરમાં આવી હતી! વર્ષોથી એ પિતાની સાથે જ પરમાત્માનાં દર્શન-પૂજન-સ્તવન કરતી હતી. મેં ઋષિદત્તાને કહ્યું :
‘દેવી! પ્રભુ કેવા નિર્વિકાર છે! વીતરાગ છે! આપણે પણ આવા જ નિર્વિકાર બનવાનું છે. રાગરહિત, દ્વેષરહિત બનવાનું છે... આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણને પ્રભુ એવા બનાવે!’
મેં મધુર સ્વરે પ્રાર્થના શરૂ કરી. ઋષિદત્તા પણ સાથે પ્રાર્થના બોલવા માંડી. અમે ઠીક ઠીક સમય પ્રાર્થનામાં પસાર કર્યો, પ્રાર્થના કરીને અમે મંદિરની બહાર આવ્યાં. હરણ-હરણીનું જોડલું તૈયાર જ હતું. ઋષિદત્તા સાથે લાડ કરવા લાગી ગયું.
‘નાથ, આ જોડલાને આપણે સાથે લઈ જઈશું ને?' તેણે પૂછ્યું.
‘હા, એ તારા વિના જીવી નહીં શકે! આપણે સાથે જ લઈ જઈશું.’ ઋષિદત્તાના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. મને આંતિરક આનંદ થયો. આવાસમાં આવીને એણે મારા માટે દૂધ અને ફળ તૈયાર કર્યાં. મને ખ્યાલ હતો કે આજે એ ખાવામાં આનાકાની કરશે! એણે આનાકાની કરી જ. પરંતુ મેં કહ્યું : ‘તું ઉપવાસ કરે તો હું પણ ઉપવાસ કરીશ. આપણે જે કંઈ કરવાનું તે સાથે જ કરવાનું...' એણે પોતાનો આગ્રહ ત્યજી દીધો અને મને ભોજન કરાવીને પછી એણે ભોજન કર્યું. ભોજન કર્યા પછી મેં કહ્યું :
‘હવે તારી ઇચ્છા હોય ત્યારે, આપણે આપણા નગરે જવા પ્રયાણ કરીએ.'
તેણે કહ્યું : ‘હવે આપણે જલદી અહીંથી ચાલ્યાં જઈએ.... હવે મને અહીં જરાય ગમતું નથી. બાપુ વિનાનો આશ્રમ.... ખરું કહું? સ્મશાન લાગે છે....'
મેં સેનાપતિને બોલાવીને, રથમર્દન જવાની તૈયારીઓ કરવાનો આદેશ આપ્યો.
For Private And Personal Use Only