________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૨૫ પ્રયોજન પૂછ્યું. મિત્રોએ સઘળી વાત કહી સંભળાવી. રાજપુરોહિતે વાત સાંભળી, આંખો બંધ કરી અને ધ્યાનમાં ડૂબી ગયા. થોડી ક્ષણો પછી આંખો ખોલીને તેમણે મારી સામે જોયું અને કહ્યું : “કુમાર! થોડા દિવસ અહીં રોકાવું પડશે. પાંચ દિવસ પછી સારું મુહૂર્ત આવે છે.'
અમે ત્યાં રોકાવાનો નિર્ણય કર્યો. પાસેના નગરમાંથી આવશ્યક ખાદ્યસામગ્રી મંગાવી લીધી. સૈન્યને જણાવી દીધું કે “આ પ્રદેશમાં થોડા દિવસ વધુ રોકાવાનું છે.” જોકે છાવણીમાં દરેકને ખબર તો પડી જ ગઈ હતી કે રાજર્ષિ હરિપેણની પુત્રી ઋષિદત્તા સાથે મારાં લગ્ન થવાનાં છે. સહુની અવરજવર આશ્રમમાં થઈ ગઈ હતી. પરમાત્મા ઋષભદેવના મંદિરમાં સવાર-સાંજ સહુ દર્શન કરવા જતા-આવતા હતા અને સાથે સાથે રાજર્ષિનાં ચરણે વંદન પણ કરી આવતા હતા. સહુએ ઋષિદત્તાને જોઈ.. સહુનાં મન રાજી થયાં. આપણા રાજકુમારને સુયોગ્ય જ આ ઋષિકન્યા છે! આવું અદ્ભુત રૂપ તો આપણે ક્યાંય જોયું નથી. ખરેખર કુમાર ભાગ્યશાળી છે...'
છાવણીમાં આવી આવી વાતો થતી રહી, મારા કાને અથડાતી રહી. મારું મન હર્ષવિભોર બની ગયું. હું પ્રતિદિન પરમાત્માનું ભાવપૂર્વક પૂજન કરતો હતો. રાજર્ષિની પાસે બેસી એમના મુખે ધર્મતત્ત્વોની વાતો સાંભળતો હતો. ઋષિદત્તાના જીવનમાં આ બધું પહેલવહેલું હતું. આ બધા માણસોને તે પહેલવહેલી જતી હતી! તેના મુખ પર કુતૂહલ.... આશ્ચર્ય.... અદ્ભુતતાના ભાવો ઊભરાતા હતા.
લગ્નનો શુભ દિવસ ઊગ્યો. રાજપુરુષોએ આશ્રમને શણગારી દીધો હતો. ઋષભપ્રાસાદને પણ શણગારી દીધો હતો. રુક્મિણી માટે લીધેલાં મૂલ્યવાન વસ્ત્રો અને સુંદર અલંકારોથી ઋષિદત્તાને શણગારવામાં આવી હતી.... એને તો મેં જ પોતે સજાવી હતી. ત્યાં એને સજાવનાર બીજું કોણ હતું
રાજપુરોહિતે લગ્નનાં વિધિ-વિધાનોની સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી હતી. વાઘોના સૂરો એ વનપ્રદેશમાં પ્રસરી રહ્યા હતા. ઘણાં વન્ય પશુઓ ત્યાં દોડી આવ્યાં હતાં. રાજર્ષિ હરિપેણના મુખ ઉપર સ્વસ્થતા હતી, ગંભીરતા હતી. પ્રશસ્ત લગ્ન સમયે અમારો હસ્તમેળાપ થયો. હું ઋષિદત્તા સાથે લગ્નગ્રંથિથી જોડાયો. મેં વિધિપૂર્વક ઋષિદત્તાને મારી પત્ની તરીકે સ્વીકારી. રાજર્ષિએ અમને બંનેને અંતરના આશીર્વાદ આપ્યા.
લગ્નવિધિ સંપૂર્ણ થઈ ગયા પછી, રાજર્ષિ તેમના નિવાસમાં ગયા અને અમને તેમની પાછળ પાછળ આવવાનો ઇશારો કરતા ગયા. અમે બંને તેમની પાછળ એમનાં આવાસમાં ગયાં અને વિનયપૂર્વક એમના ચરણોમાં બેઠાં....
For Private And Personal Use Only