________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૨૧
સ્વર્ગસ્થ કુલપતિ વિશ્વભૂતિના આશ્રમમાં જ્યારે રાજા-રાણી પહોંચ્યાં, ત્યારે આશ્રમવાસીઓએ તેમનું ઉચિત સ્વાગત કર્યું. તેમને માટે સુયોગ્ય આવાસસ્થાન આપ્યું. રાણી પ્રીતિમતિને પણ આશ્રમનું વાતાવરણ ગમી ગયું. રાજાની સાથે તમામ દૈનિક કૃત્યો તે આચરે છે. વિનય, નમ્રતા, ઉદારતા વગેરે ગુણોની સુવાસ આશ્રમમાં પ્રસરી ગઈ. રાજા-રાણી વિવિધ તપશ્ચર્યા કરે છે. પરમાત્મા ઋષભદેવની સેવા-પૂજા કરે છે.... પ્રસન્નતાથી એમનો સમય પસાર થાય છે. પાંચેક મહિના પસાર થયા.
એક દિવસ રાજા હરિષણની નજર પ્રીતિમતિના શરીર પર સ્થિર થઈ. રાજાને લાગ્યું કે ‘પ્રીતિમતિ ગર્ભવતી છે!' રાણીને પૂછ્યું :
‘આ કેવી રીતે બન્યું?'
‘નાથ, આપણે આશ્રમમાં આવ્યા તે પૂર્વે હું ગર્ભવતી બની હતી, પરંતુ મેં આપને એટલા માટે વાત નહોતી કરી કે આપના ત્યાગમાર્ગમાં વિઘ્ન ઊભું ન થાય. વળી, આપ મને તો સાથે લાવત જ નહીં.'
રાજા હરિષેણના મનનું સમાધાન તો થઈ ગયું, પરંતુ આશ્રમવાસી તપસ્વીઓમાં આ વાત ગંભીર ચર્ચાનો વિષય બની ગઈ. પ્રીતિમતિ તરફ તપસ્વીઓને અરુચિ થઈ ગઈ. રાજા હરિષણ પ્રત્યેનો આદરભાવ ઓછો થઈ ગયો.
‘આ આશ્રમમાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરનાર જ રહી શકે. રાજાએ આ નિયમનું ઉલ્લંઘન કર્યું. આશ્રમમાં આવીને તેમણે વિષયસેવન કર્યું છે, જેના પરિણામે પ્રીતિમતિ ગર્ભવતી બની છે.’
તપસ્વીઓ ભેગા થયા. એક તપસ્વીએ ઉપ૨ મુજબ વાત રજૂ કરી. બીજા તપસ્વીએ કહ્યું : ‘આપણે રાજાને નિવેદન કરીએ કે આ રીતે આશ્રમમાં ન રહી
શકાય.’
‘તો પછી રાજા ક્યાં જશે?' એક અવાજ ઊઠ્યો.
‘એને જ્યાં જવું હોય ત્યાં જાય.... આશ્રમમાં આ રીતે કેમ રહેવાય?’ ‘એના કરતાં આપણે જ આશ્રમ છોડીને ચાલ્યા જઈએ તો કેમ? રાજાને આશ્રમ છોડવાનું કહેવું અનુચિત છે, રાજા-રાણી ભલે આશ્રમમાં રહે.’
સહુ તપસ્વીઓ આ વિચારમાં સંમત થઈ ગયા, અને એક દિવસે વહેલી સવારે સહુ તપસ્વીઓએ આશ્રમનો ત્યાગ કર્યો. જ્યારે આ વાત રાજા-રાણીએ જાણી, ત્યારે એમના હૃદય પર વજ્રઘાત થયો.
For Private And Personal Use Only