________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
પાંપણે બાંધ્યું પાણિયારું. લાંબી છે, તેને કહેવામાં મને કોઈ વાંધો નથી... પહેલાં અમે પરમાત્મા-પૂજા કરી લઈએ. તું થોડો સમય અમારી પ્રતીક્ષા કર.'
મેં એ મહાત્મામાં જેમ સહજ સ્નેહાળતા જોઈ, કરુણા જોઈ, તેમ કોઈ ઊંડી વેદનાનું પણ અનુમાન કર્યું. એમની કાયા ભલે ક્ષીણ બની હતી, પરંતુ એમનું વ્યક્તિત્વ ભવ્ય હતું, આકર્ષક હતું, લાંબી શ્વેત જટા અને દાઢીમાં એમની તેજસ્વિતા વધુ ઝગારા મારતી હતી. તેઓ પરમાત્મા ઋષભદેવનાં અર્ચનપૂજનમાં પ્રવૃત્ત થયા. પેલી કન્યા પણ એ ઋષિવરની સાથે ચાલી ગઈ હતી અને પૂજનમાં સહાય કરી રહી હતી.... એના મુખ ઉપર નરી મુગ્ધતા હતી. સંસારના તડકા-છાંયડાથી સાવ અપરિચિત એવી એ કન્યા પ્રત્યે માત્ર રૂપથી જ નહીં, પરંતુ કોઈ અવ્યક્ત આકર્ષણથી હું ખેંચાઈ રહ્યો હતો. એનો મારા પ્રત્યેનો અનુરાગ હું પામી ગયો હતો.
ખૂબ શાંતિથી, સમતાથી અને ભક્તિભાવથી પૂજા કરીને એ મહર્ષિ મારી પાસે આવ્યા. મારી સામે દૃષ્ટિ સ્થાપિત કરી તેમણે કહ્યું : ‘કુમાર, અહીં નજીકમાં જ મારી ઝૂંપડી છે, ત્યાં ચાલો. તમારો સત્કાર કરવાનો મને લાભ. આપો.” મેં મૌન સંમતિ આપી અને એમની સાથે મંદિરનાં પગથિયાં ઊતરવા માંડ્યો. ઋષિકન્યા ઋષિનો એક હાથ પકડીને ચાલી રહી હતી. મંદિરની નજીક જ એમની ઝૂંપડી હતી.
એ ઝૂંપડી ન હતી, એક નાનકડો સુંદર આશ્રમ હતો. એ આશ્રમમાં સાદાઈ, સ્વચ્છતા અને સુંદરતાનો સંગમ થયેલો હતો. પ્રાંગણમાં નાની શી પુષ્પવાટિકા હતી. જુદાં જુદાં સુગંધી પુષ્પોથી સમૃદ્ધ વાટિકા સુગંધ રેલાવતી હતી. અમે વાટિકામાંથી પસાર થઈ કાષ્ઠ, પર્ણ અને માટીથી નિર્મિત એક વિશાળ ખંડમાં દાખલ થયા. મને બેસવા માટે ઋષિકન્યાએ દર્ભાસન બિછાવ્યું. ઋષિ કાષ્ઠાસન પર બેઠા, એમની પાસે જ હું દર્ભાસન પર બેઠો. ઋષિકન્યા અંદરના ખંડમાં ચાલી ગઈ અને થોડી જ વારમાં દૂધનો પ્યાલો અને સ્વાદિષ્ટ ફળ લઈને હાજર થઈ. ઋષિએ મને કહ્યું : “અમારું આતિથ્ય સ્વીકારો, કુમાર. અમને આનંદ થશે.' ઋષિકન્યા મૌન હતી, પરંતુ એ પણ મને મૌનપણે આગ્રહ કરી રહી હતી. હું એમનો આગ્રહ ટાળી ન શક્યો. આતિથ્યનો સ્વીકાર કરીને મેં સંતોષ અનુભવ્યો.
ઋષિએ કહ્યું : “કુમાર, હવે હું તમને આ જિનમંદિર અંગે, મારા અંગે અને આ કન્યા અંગે સર્વ વિગત જણાવું છું. અમારી આ કથા ખરેખર વ્યથા ભરેલી છે. છતાં એ વ્યથાને હૃદયમાં ભંડારી દઈને અમે જીવન જીવી રહ્યાં છીએ.
For Private And Personal Use Only