________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું સૈનિકોએ કહ્યું: “મહારાજ કુમાર, આ જ એ પ્રદેશ છે કે જ્યાં અમે ગઈ કાલે રૂપરૂપના અંબારસમી વનકન્યાને જોઈ હતી. અને મારી પ્યાસી આંખો ચારે દિશામાં એ વનકન્યાને જોવા માટે ફરી વળી.... મેં સરોવરની આસપાસ ફરીને એ વનકન્યાને શોધવા માંડી. ત્યાં એક વનનિકુંજની પાસે ઊભેલી અને મારી તરફ એકીટસે જોઈ રહેલી એક કન્યાને મેં જોઈ....
હું જોઈ જ રહ્યો, એ જરા પણ હાલ્યાચાલ્યા વિના એ જગાએ ઊભી રહી હતી. ક્યારેય... ક્યાંય ન જોયેલું રૂપ મેં જોયું. સાક્ષાત્ કામદેવ જ સુંદરીનું રૂપ ધરીને પૃથ્વી ઉપર ઉતરી આવ્યો હતો, એમ મને લાગ્યું. “આ કોણ હશે? આ જંગલમાં આટલી નિર્ભયતા શું ખરેખર આ કોઈ દિવ્ય પ્રદેશની અપ્સરા હશે? આનો સ્વામી કોણ હશે?' મારા મનમાં વિચારોની હારમાળા ચાલુ થઈ ગઈ. હું વારંવાર એની સામે જોતો હતો. એ મારી સામે જે જોઈ રહી હતી.... કુતૂહલથી! આશ્ચર્યથી!
મારું મન એના પ્રત્યે અનુરાગી બની ગયું. હું એની પાસે જાઉં? પાસે જાઉં અને અદૃશ્ય થઈ જાય તો?’ મને મારા સૈનિકોએ ગઈ કાલે કહેલી વાત યાદ આવી ગઈ! પરંતુ તુર્ત જ મને વિચાર આવ્યો : “એ મારી સામે અનિમેષ નયને જોઈ રહી છે.... ઊભી રહી છે... મારા પ્રત્યે એના મનમાં પણ અનુરાગ જાગ્યો હોવો જ જોઈએ.... નહીંતર એ ભાગી જાત.” આમ હું વિચારું છું, ત્યાં મેં મારા સૈનિકોનો કોલાહલ સાંભળ્યો. સૈનિકો સ્નાનાદિ માટે સરોવર પાસે આવેલા હતા. એ વનકન્યાએ સૈનિકોને જોયા અને એ જ ક્ષણે એ દોડી ગઈ... ક્યાં ચાલી ગઈ એની મને ખબર ન પડી.
હું એ બાજુ ઝડપથી આગળ વધ્યો. મિત્ર રાજકુમારોને કહ્યું : “તમે છાવણીમાં જાઓ, હું આવી જઈશ.’ હું એ વનકન્યાને શોધતો આગળ ચાલતો ગયો. મારાં તન-મન વ્યાકુળ બની ગયાં હતાં. હું રાગના પ્રગાઢ બંધનમાં જકડાઈ ગયો હતો. એને જોયા પછી એને મેળવવાની પ્રબળ ઇચ્છા જાગ્રત થઈ હતી. મારું પુરુષત્વ ઊછળી રહ્યું હતું.
થોડો આગળ વધ્યો. ઊંચાં ઊંચાં અશોકવૃક્ષોની વચ્ચે ઊભેલું એક રમણીય મંદિર જોયું. મંદિરની આસપાસનો પ્રદેશ સ્વચ્છ હતો. મેં વિચાર્યું : “જરૂર એ સુલોચના આ મંદિરમાં જ હોવી જોઈએ.... સૈનિકોથી ડરીને મંદિરમાં જ પ્રવેશી ગઈ હશે....” એમ વિચારીને મેં મંદિરમાં પ્રવેશ કર્યો.
મંદિરમાં પ્રવેશ કરતાં જ મેં સામે પરમાત્મા ઋષભદેવની ભવ્ય અને નયનરમ્ય મૂર્તિ જોઈ. તુર્ત જ બે હાથ જોડાઈ ગયા... મસ્તક નમી પડ્યું...
For Private And Personal Use Only