________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તર દિશામાં અમારું પ્રયાણ અનવરત ચાલી રહ્યું હતું. પ્રકૃતિએ શણગાર સજ્યા હતા. દિશાઓ ઉજ્વલ વસ્ત્રોમાં શોભી રહી હતી. મંદ મંદ સમીર અને મધુર મધુર પુષ્પરાગની સુવાસ અમારાં તન-મનને ભરી રહ્યા હતા. વનવાસી પશુઓ દૂર દૂર દોડી જઈને અમારા કાફલા સામે ટગર ટગર જોતાં હતાં.... વિહંગો ગગનમાં મુક્ત મને ઊડી રહ્યાં હતાં.
એક પ્રહર વીતી ગયો હતો. પડાવ માટે યોગ્ય મેદાન મળી જતાં અમે અમારો પહેલો પડાવ નાંખ્યો. વિશાળ છાવણી ઊભી થઈ ગઈ. મિત્ર રાજકુમારોની સાથે હું આસપાસના પ્રદેશમાં નીકળી પડ્યો. આમેય મને નિસર્ગનું સૌંદર્ય ખૂબ ગમતું. એ પ્રદેશ વનરાજીનો પ્રદેશ હતો. અમારા રાજ્યની સીમાનો પ્રદેશ હતો, છતાં હું ક્યારેય આ પ્રદેશમાં આવેલો ન હતો. મેં મારા મિત્રોને કહ્યું :
આ કેવો સોહામણો પ્રદેશ છે!”
કનક, આનાથી પણ વધુ સોહામણો પ્રદેશ તો હજુ આગળ આવશે. કાવેરીના માર્ગે આપણે ભરપૂર સૌંદર્યપાન કરીશું!'
આમેય આપણો મધ્યપ્રદેશ નદીઓ, સરોવરો અને બાગ-બગીચાઓનો પ્રદેશ જ છે ને!”
કુમાર, અહીંથી આપણે દસ કોસ આગળ વધીશું, એટલે એક અટવી આવશે. એ અટવીનો પ્રદેશ અરિદમન રાજાનો છે.”
એમ? અરિદમન રાજાના પ્રદેશમાંથી પસાર થવાનું છે? એ અમારી સાથે નિષ્ઠયોજન શત્રુતા ધરાવે છે!”
અરિદમન રાજા સાથેના અમારા બગડેલા સંબંધો અંગે મેં મિત્રોને વાત કરી. ભોજનનો સમય થતાં અમે અમારા પડાવમાં પહોંચ્યા. સાથે બેસીને અમે ભોજન કર્યું. વિશ્રામ કરીને નમતા પહોરે આગળ પ્રયાણ કરવાનો આદેશ આપ્યો. અમે આગળ ચાલ્યા. હજુ અટવી શરૂ નહોતી થઈ. સૂર્યાસ્ત થઈ જતાં અમે અટવીના નાકે જ વિશાળ મેદાનમાં પડાવ નાંખવાનો નિર્ણય કર્યો. થોડાક જ સમયમાં એક નાનકડું નગર વસી ગયું. ચારે બાજુ મશાલો પેટાવવામાં આવી. સૈનિકોએ સુરક્ષાનો પાકો પ્રબંધ કરી દીધો.
For Private And Personal Use Only