________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
પાંપણે બાંધ્યું પાણિયારું કુમાર, અમારી તો તમને એક જ વિનંતી છે કે અમને ક્યારેક યાદ કરજો. કાવેરી પધારજો.....'
મહારાજાએ રથ મોકલીને ઋષિદત્તા અને ક્મિણીને રાજમહેલમાં બોલાવી લીધાં હતાં. અમારો વાર્તાલાપ ચાલતો હતો. ત્યાં એ બંનેએ અમારા ખંડમાં પ્રવેશ કર્યો. દૂરથી અમને ત્રણેયને પ્રણામ કરી એક બાજુ બેસી ગઈ.
રુક્મિણીને ઉદ્દેશીને મહારાજાએ કહ્યું : “રુક્મિણી, હવે તું અમને છોડીને તારા ઘેર જઈશ. રથમર્દન નગરમાં જઈશ..... બેટી, ત્યાં તું તારાં ગુણોની સુવાસ પ્રસારજે. તને જન્મ આપનારાં માતા-પિતાની કીર્તિ વધારજે. પતિને પરમાત્માતુલ્ય માનજે, શીલને પ્રાણથી પણ અધિક માનજે. ઋષિદત્તાને તારી પરમ ઉપકારિણી મોટી બહેન માનજે. વડીલોનો વિનય ન ચૂકીશ. તારાં ઉચિત કર્તવ્યોનું સુંદર પાલન કરજે... વિશેષ તો તને શું કહું? તારા વિયોગનું દુઃખ.” મહારાજા રડી પડ્યા. રુક્મિણી પણ ચોધાર આંસુએ રડી પડી. ઋષિદત્તા રુક્મિણીને પોતાના ઉત્કંગમાં લઈ શાંત કરવા પ્રયત્ન કરવા લાગી.
ગદ્ગદ્ સ્વરે મહારાજાએ ઋષિદત્તાને કહ્યું : “બેટી ઋષિદત્તા, સાચોસાચ તું ઋષિની-રાજર્ષિની કન્યા છે... તારા ગુણો, તારી કરુણા, તારું નિર્મળ જીવન.... ખરેખર અભુત છે.. તારું હૃદય કેવું પ્રેમાળ અને ઉદાર છે! રુક્મિણીને ક્ષમા આપીને તો તેં અમારા સહુ ઉપર ઉપકાર કર્યો છે.... તારા ઉપકારના ભાર નીચે દબાયેલાં અમે ક્યારે એ ઉપકારનો બદલો ચૂકવી શકીશું?
બેટી, હવે રુક્મિણીને તું સંભાળજે. હજુ એનામાં નાદાનિયત છે. ક્યારેક એ ભૂલ કરી બેસે, ક્યારેક અનુચિત આચરણ કરી નાંખે.... તો ક્ષમા કરજે.... એને તારી સાથે જ ધર્મારાધનામાં રાખજે... તને કંઈ જ કહેવાપણું નથી.... છતાં પિતૃહૃદય છે ને! એ પિતૃહૃદય આ બોલાવે છે..... દીકરી, ક્યારેક અમને યાદ કરજે. ક્યારેક કાવેરી આવજે... આ રાજમહેલ... આ રાજા-રાણી... આ બધું તારું.... પિતૃગૃહ સમજજે.”
ઋષિદત્તાએ જમીન પર દૃષ્ટિ સ્થિર કરી કહ્યું : “હે પિતાજી, આપ મારી પ્રશંસા કરી મને શરમાવો નહીં. મારામાં એવી કોઈ જ વિશેષતા નથી. ભૂલ તો દરેક સંસારીની થતી હોય છે.. રુક્મિણી મારી સુશીલ અને કુશળ નાની બહેન છે. થોડા દિવસોના પરિચયમાં મેં એનામાં ઘણા ગુણો જોયા છે. એ પુણ્યશાલિની છે. આપ એની જરાય ચિંતા ના કરશો.
For Private And Personal Use Only