________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
પાંપણે બાંધ્યુ પાણિયારું
ચોધાર આંસુ સરી પડ્યાં.... મહારાણી પણ રડી પડ્યાં.... પોતાની સાડીના પાલવથી આંસુ લૂછતાં મહારાણી શયનખંડની બહાર જઈને ઊભાં રહ્યાં.
મેં રુક્મિણીને પલંગ પર બેસાડી. હું એની પાસે બેસી ગઈ. મેં કહ્યું : ‘બહેન, રડ નહીં. માણસના જીવનમાં ભૂલ થઈ જવી સ્વાભાવિક છે. કારણ કે અનંત જન્મોમાં જીવ અનંત અનંત કર્મ બાંધતો આવ્યો છે. કર્મપરવશ જીવ નાની મોટી ભૂલો કરતો હોય છે....’
‘ના.... ના, મેં ભયંકર અપરાધ કર્યો છે.... હું હત્યારી છું.... હું રાક્ષસી છું.... હું મહાપાપી છું... દેવી, મને ક્ષમા કરશો?’ અને ધ્રુસકે રડતી એ મારા ખોળામાં ઢળી પડી. મેં એના મસ્તકે, એની પીઠ પર હાથ ફેરવી... એની પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી. થોડી વાર એને રડવા દીધી. પછી જ્યારે એનું હૈયું કંઈક હળવું થયું, ત્યારે પાણીથી એને મોઢું ધોઈ નાંખવા કહ્યું. પાણી પિવડાવ્યું અને કહ્યું :
‘રુક્મિણી, કહે, હવે તું શું ચાહે છે!’
‘દેવી, હું આપની ક્ષમા ચાહું છું.... પરંતુ ખરેખર તો ક્ષમા આપણા સ્વામીનાથની માગવી જોઈએ....'
‘હું તેમને મારું કાળું મોં દેખાડવા નથી માગતી.... ક્યાં એ ઉત્તમ પુરુષ અને ક્યાં હું અધમાધમ’ બે પગમાં મોં છુપાવીને તે રડી પડી. એની પીઠ પંપાળતી હું બોલી :
‘રુક્મિણી, તેઓ તો ઘણા ઉદાર અને ગંભીર મહાપુરુષ છે. તું ચાલ મારી સાથે, તેઓનાં ચરણે તારું સર્વસ્વ સમર્પણ કરી દે.... તેઓ જરૂર તને ક્ષમા આપશે.... ક્ષમા જ નહીં, હૃદયનો પ્રેમ આપશે!’
‘ના, ના, હું તેમના પ્રેમને પાત્ર નથી.... કુપાત્ર છું.... ઈર્ષ્યાની સાક્ષાત્ મૂર્તિ છું.... અસ્પૃશ્ય છું.... એ ગુણમૂર્તિના ચરણોને સ્પર્શ પણ કરવાલાયક નથી... તમે દેવી, કહેજો કે તેઓનું નામ યાદ કરતી હું જીવન પૂરું કરીશ....'
‘એવો સંકોચ ન રાખ રુક્મિણી, ચાલ, ઊભી થા, વસ્ત્ર બદલી લે, શણગાર સજી લે. હું તને મારી સાથે જ લઈ જવા આવી છું.'
મેં રુક્મિણીનું મુખ ઊંચું કરી તેની દૃષ્ટિમાં મારી દૃષ્ટિ મેળવીને તેની અનુમતિ માગી. તેની આંખોમાં આર્દ્રતા હતી, વિવશતા હતી, વેદના હતી. મેં મહારાણીને કહ્યું : ‘માતાજી, રુક્મિણીનાં લગ્ન સમયનાં વસ્ત્રો લાવો, એના અલંકારો લાવો.... આજે હું જ એને શણગારીશ....'
For Private And Personal Use Only