________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
પાંપણે બાંધ્યું પાણિયારું ચન્દ્ર હતો. સ્મશાનનું ભયાનક વાતાવરણ હતું. જંગલનાં પશુઓ હતાં. ધીમો ધીમો પવન વાતો હતો. મને લાગ્યું કે એ પવનના શીતળ સ્પર્શથી જ હું ભાનમાં આવી હતી. ક્ષણભર તો હું એ જલ્લાદોની કલ્પનાથી ધ્રુજી ઊઠી, પરંતુ ધીમે પગલે આસપાસ ફરીને મેં જોયું તો કોઈ પણ માણસ દેખાયો નહીં. મેં મારા મનમાં ઝડપી નિર્ણય કરી લીધો. માથે બાંધેલું નાળિયેર ત્યાં ફેંકી દઈ, હું ઝડપથી સ્મશાનમાંથી બહાર નીકળી ગઈ અને જંગલના માર્ગે દોડવા માંડી. મારી જેટલી શક્તિ હતી... તે બધી જ શક્તિ લગાવીને દોડવા માંડી....
મને લાગ્યું કે હું રથમર્દન નગરથી ખૂબ દૂર નિર્જન વનમાં આવી પહોંચી છું. હું એક પથ્થર પર બેસી પડી. ખૂબ થાકી ગઈ હતી. ભય, સંતાપ અને વેદનાથી હું ઘેરાઈ ગયેલી હતી.
મને ત્યાં મારા સ્વર્ગસ્થ પિતાજી યાદ આવી ગયા.... અને હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી... મારું રુદન મારા એ પિતાજીના કાને પડ્યું હશે કે કેમ તે હું નથી જાણતી, પરંતુ હું તો એમ જ માનતી હતી કે મારો કલ્પાંત તેઓ જરૂર સાંભળતા જ હશે...
હે તાત, તમે જ્યાં હો ત્યાંથી તમારી આ પુત્રીને તો જુઓ. મારા માથે દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે. પિતાજી, જલદી આવો અને મને બચાવી લો... બાપુજી, હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉ.... હું તમારી સેવા કરીશ.... આપણે આપણા આશ્રમમાં રહીશું... મારા તાત, તમને મારા ઉપર પ્રેમ નથી? તમારી આ દીકરી કેટલી વહાલી છે? તમે અત્યારે ક્યાં છો, તાત?
હા, જ અભાગણ છું, તાત.... મેં આપને પ્રાણત્યાગ કરવા દીધો.... હું પણ જો આપની પાછળ એ ભડભડતી આગમાં કૂદી પડી હોત તો...? તાત, તમે મને સાથે કેમ ન લઈ ગયા? અત્યારે હું જીવતે જીવ દુઃખની આગમાં બળી રહી છું. પિતાજી, મારાથી આ કારમી વેદના સહન થતી નથી.....
હું ભગવાન ઋષભદેવનું સ્મરણ કરીને, એમની સાખે કહું છું કે તાત, મેં કોઈ ખોટું કામ નથી કર્યું. આપના આપેલા સંસ્કારોને જરાય ડાઘ નથી લગાડ્યો.... છતાં તાત, મારા ઉપર કેવું કલંક આવી ગયું? તાત, મેં પૂર્વભવમાં કેવા પાપ કર્યા હશે? આપે કહેલું હતું.... મને યાદ છે. “બેટી, આ જીવનમાં જે દુ:ખ આવે છે તે આપણાં જ બાંધેલાં પાપકર્મોથી આવે છે....” સાચી વાત છે આપની.... બીજા કોઈનો દોષ નથી... મારાં જ એવાં પાપકર્મ હોય... પછી મારા સસરાને એવું જ સૂઝે.... અને મારા સ્વામીનાથ પણ શું કરે? એ મને બચાવી ન શક્યા....”
For Private And Personal Use Only