________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
પાંપણે બાંધ્યું પાણિયારું
‘તું સુલસા જોગણને ઓળખે છે ને?' એણે મસ્તક ઝુકાવી હા પાડી. ‘એ ક્યાં રહે છે, હમણાં એ ક્યાં મળશે, એ વિગત તારે જણાવવાની છે.’ રુક્મિણીએ ધીમા સ્વરે વિગત આપી. મહારાજાએ પરિચારિકાને કહ્યું : ‘જા, સેનાપતિજીને બોલાવી લાવ.'
પરિચારિકાએ મહારાજાને નમન કર્યું અને સેનાપતિને બોલાવવા ચાલી ગઈ. હું બાહ્ય અટ્ટાલિકામાં જ ઊભો હતો. રુક્મિણી પણ હજુ ઊભી જ રહી હતી. મહારાજાનો કઠોર અને કડવો અવાજ મારા કાને પડ્યો.
'રુક્મિણી, તેં તારું જીવન નષ્ટ કર્યું, મારી કીર્તિને કલંકિત કરી. તારી માતાની કૂખ લજાવી. તેં કેવું અધમ કૃત્ય કર્યું? એક નિર્દોષ યુવરાજ્ઞી પર ભયાનક કલંક મુકાવ્યું. એને મોતની ખાઈમાં ધક્કો મરાવ્યો? તને જરાય વિચાર ન આવ્યો કે એ પણ તારા જ જેવી રાજકન્યા હતી. એને પણ સુખશાંતિની કામના હતી. તારા સ્વાર્થ ખાતર તેં એનો ભોગ લેવા પ્રયત્ન કર્યો, તને શું મળ્યું? તેં દગો દઈને કનકરથકુમાર સાથે લગ્ન કર્યાં, પરંતુ હવે એ તારું કાજળશ્યામ મોં જોવાનું પણ પસંદ કરશે? કુમાર તો પુણ્યશાળી છે.... એને તો પુનઃ ઋષિદત્તા મળી ગઈ. હવે તું તારી જિંદગી આંસુઓ, નિસાસાઓ અને હાયબળાપા સાથે પૂરી કરજે.
જોકે તારો અપરાધ એવો છે કે તને મોતની સજા થવી જોઈએ. પરંતુ કનકરથકુમારે મને વચનબદ્ધ કરી લીધો છે. તને સજા નહીં કરવાનું તેમણે મારી પાસેથી વચન લઈ લીધું છે. નહીંતર આજે મારા હાથે જ પુત્રીહત્યાનું પાપ થઈ જાત.’
મહારાજા સુરસુંદર શ્વાસભેર બોલી રહ્યા હતા. રુક્મિણી ધ્રૂજી રહી હતી. તેની આંખોમાંથી આંસુઓ ટપકતાં હતાં. તેના રુદનના સિસકારા મને સંભળાતા હતાં.
પરિચારિકાએ મંત્રણાગૃહમાં પ્રવેશ કરી મહારાજાને નમી નિવેદન કર્યું : ‘સેનાપતિજી આવી ગયા છે. આપની આજ્ઞા હોય તો અંદર આવે.'
‘તેઓ આવી શકે છે.' મહારાજા કંઈક સ્વસ્થ થયા. રુક્મિણી નમન કરી એક બાજુ સરકીને ઊભી રહી. હું મારી જગાએ જ ઊભો હતો. મારી દૃષ્ટિ નીલગગન તરફ મંડાયેલી હતી, છતાં અવારનવાર અંદરના ખંડમાં દૃષ્ટિ ચાલી જતી હતી.
સેનાપતિએ આવીને મહારાજાને પ્રણામ કર્યા અને મહારાજાની સામે પડેલા ભદ્રાસન પર બેસી ગયા.
‘સેનાપતિજી, આપણા નગરમાં ‘સુલસા’ નામની એક દુષ્ટ જોગણ રહે છે.
For Private And Personal Use Only