________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋષિદત્તાની અચાનક પ્રાપ્તિ થવાના નિરવધિ આનંદમાં મારો પહાડ જેવડો વિષાદ ઓગળી ગયો! મારું જીવનઆકાશ નિરભ્ર બની ગયું હતું. પ્રિયજનનો સંયોગ માનવહૃદયને હર્ષથી કેવું ઝંકૃત કરી દે છે, એનો મને પ્રત્યક્ષ અનુભવ થયો. | ઋષિદના કેવી રીતે જીવંત રહી - એ જાણવાની જિજ્ઞાસાને હૃદયમાં દાબીને હું એકાંતનો અવસર શોધતો હતો! પરંતુ અમે – હું અને ઋષિદત્તા સુરસુંદરના મહેમાન બન્યાં હતાં. મહારાજા સુરસુંદર પ્રફુલ્લિત બન્યા હતા. એનું કારણ ઋષિદના મને મળી આવી, એ નહીં હોય પરંતુ મેં આપઘાત કરવાનો વિચાર પડતો મૂકી દીધો, એ હોવું જોઈએ. મારું અગ્નિસ્નાન એમના માટે પણ અગ્નિસ્નાનનું જ નિમિત્ત બની જાત! મારી સ્વસ્થતાથી, પ્રસન્નતાથી એમનો ઊંચે ચઢી ગયેલો જીવ નીચે બેઠો હતો. અલબત્ત એમના મનમાં પણ પ્રશ્ન ઘોળાતો જ હશે, કે મેં અચાનક અગ્નિસ્નાન કરવાનો નિર્ણય શા માટે કર્યો. તેમણે રુક્મિણીને પણ પૂછ્યું હશે. રુકિમણીએ એમના મનનું સમાધાન થાય, તેવી સ્પષ્ટ વાત નહીં જ કરી હોય. નહીંતર, અમને ભાવપૂર્વક ભાવતાં ભોજન જમાડીને, મૂલ્યવાન અલંકારો અને વસ્ત્રોથી અમારું બહુમાન કરીને, ઋષિદત્તાને મહારાણી પાસે બેસાડીને, મહારાજા અને તેઓના એકાંત મંત્રણાખંડમાં ન લઈ જાય!
તેઓએ પ્રેમાળ શબ્દોમાં મને કહ્યું : “કુમાર, ચાલો આપણે હવે શાંતિથી થોડી વાતો કરીએ, પછી આરામ કરીએ. ઋષિદત્તા રાણી સાથે ભલે વાતો કરે. રાણીને પણ આનંદ થશે.' મેં ઋષિદત્તા સામે જોયું, એણે સંમતિસૂચક મસ્તક હલાવ્યું. હું મહારાજાની સાથે ઊભો થયો. મહારાજા મને તેઓના મંત્રણાગૃહમાં લઈ ગયા.
અમે બેઠા. હું મંત્રણાગૃહની દીવાલો પર લાગેલાં યુદ્ધચિત્રોને જોવા લાગ્યો. મહારાજા મૌન હતા. તેમના મુખ પર ગંભીરતા છવાયેલી હતી, વિષાદ પણ ખરો. તેઓએ ધીમા સ્વરે મને કહ્યું :
કુમાર, બહુ સારું કર્યું તમે.... તમારા વિચાર બદલીને... નહીંતર મારે પણ જીવવા જેવું ન રહેત.” હું મૌન રહ્યો. મારી દૃષ્ટિ જમીન પર સ્થિર હતી.
“કુમાર, શું તમે મને કહેશો કે તમારે આવો અતિ ગંભીર વિચાર શા માટે
For Private And Personal Use Only