________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
પાંપણે બાંધ્યું પાણિયારું.
મારું હૃદય ઘોર વ્યથાથી વલોવાઈ રહ્યું હતું. હું અસહ્ય-અકથ્ય વેદનાથી વ્યાકુળ બની ગયો.
આવું દાણ સ્ત્રીચરિત્ર? પોતાનો સ્વાર્થ સાધવા માટે આ સ્ત્રી આટલી હદે ગઈ? શું આ એનો મારા પ્રત્યેનો પ્રેમ? ના, ના, પ્રેમ નહીં, નરી વાસના... નરી વિષયાંધતા....
જો આને મારા પ્રત્યે પ્રેમ હોત તો એ મારા સુખનો વિચાર કરત. એણે મારો કોઈ વિચાર જ ન કર્યો. એણે તો નિર્દોષ ઋષિદત્તાનો કાંટો કાઢી નાંખવાનું ઘોર પાપ આચર્યું. વિચાર્યું : “આ ઋષિદત્તા રાજ કુમાર પાસેથી દૂર ન થાય ત્યાં સુધી એ કુમાર મને પરણવા નહીં જ આવે. મારે એ રાજકુમારને જ પરણવું છે. એ કુમારની હું વાગ્દત્તા છું. કુમાર મારી છે. એને એ આશ્રમની કન્યા કેવી રીતે મોહિત કરી લે?'
એની જાતીય વાસના વિકૃત બની ગઈ અને એણે નિર્દોષ ઋષિદત્તાનો ભોગ લીધો. પરંતુ આમ કરીને શું એ મને મેળવી શકશે? શું લગ્ન કર્યા એટલા માત્રથી એને મારો પ્રેમ મળી જવાનો છે? આવી દુષ્ટા... અધમ નારી ઉપર પ્રેમ થાય?
અરેરે.... ઋષિદત્તા... મારા નિમિત્તે તારો વધ થયો. તું આ પાપિણી. રુક્મિણીના પર્યંત્રનો ભોગ બની ગઈ. તારા વિનાનું મારું જીવન વ્યર્થ બની ગયું છે. હવે મારે કોના માટે જીવવાનું? હવે જીવીને મારે શું કરવું છે? ના, હવે હું જીવી જ નહીં શકું. ચિતામાં પડીને પ્રાણત્યાગ કરીશ.....
હું પુનઃ શયનખંડમાં ગયો. રુક્મિણી પલંગમાં ઊંધી પડી રહી હતી. એણે એનું મોટું સાડીમાં છુપાવી દીધું. મેં એને કહ્યું : “તું તારે મજેથી જીવજે. ખૂબ રાજી થજે. જે માર્ગે ઋષિદત્તા ગઈ એ જ માર્ગે હું જઈશ. પ્રભાતે ચિતામાં પ્રવેશ કરીને પ્રાણ નો ત્યાગ કરીશ.' રુક્મિણી સફાળી બેઠી થઈ ગઈ. પલંગથી નીચે ઊતરી મને વળગવા આવી. મેં એને બે હાથે ધક્કો મારીને પલંગ પર પછાડી દીધી. ધુત્કારી કાઢી અને કહ્યું : “અરે પાપિણી, હું તારું મોઢું જોવા પણ નથી ઇચ્છતો. મને અડવાનો જરાય પ્રયત્ન ન કરીશ....”
હું રુકિમણીને ત્યાં જ છોડી, બહાર આવ્યો. મહેલના ઝરૂખામાં જઈને ઊભો. પૂર્વ દિશામાં અરુણોદય થઈ ગયો હતો.
For Private And Personal Use Only