________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨
પાંપણે બાંધ્યું પાણિયારું ઋષિકુમારની વાત સાંભળીને હું ગંભીર બની ગયો. ઋષિકુમારની હસતી મુખમુદ્રા સામે એકીટસે જોઈ રહ્યો. તેમના બંને હાથ પકડી લઈ મેં કહ્યું :
“ઋષિરાજ! મારા જીવનમાં ઋષિદત્તા સિવાય કોઈ પ્રિય નથી... કોઈ ઇષ્ટ નથી.... કહો, એની પ્રાપ્તિ થશે મને?
ઋષિકુમારે મારી સામે જોયું. અર્થસૂચક સ્મિત કર્યું અને મારો હાથ પકડી ચાલવા માંડ્યું.
છાવણી ઉઠાવી લેવામાં આવી હતી અને પ્રયાણ માટે સેના તૈયાર ઊભી હતી. મારા સુશોભિત રથને બે શ્વેત અશ્વો જોડી દેવામાં આવ્યા હતા. પૂર્વ દિશામાંથી સૂર્યનાં તેજકિરણો પ્રસરી રહ્યાં હતા. ચાર-પાંચ મૃગશાવકો પણ મારા રથની પાસે કુતૂહલથી આવી ઊભાં હતાં. ઋષિકુમારે એ મૃગશાવકોનાં મુખડાં પંપાળ્યાં અને અમે બંને રથારૂઢ થયા.
મારા રથની આગળ એક નાનકડી અશ્વસેના ચાલી રહી હતી. રથની પાછળ અશ્વસેના અને પાયદળ પણ હતાં. હજુ કાવેરીનો ત્રણ દિવસનો રસ્તો બાકી હતો, પરંતુ ઋષિકુમારનો સંગાથ મળવાથી અમારો માર્ગ શીઘ્રતાથી કપાતો જતો હતો.
મુનિ કુમાર સાથે એવી આત્મીયતા કેળવાઈ ગઈ હતી કે હું મુક્ત મનથી એમની સાથે વાતો કરતો હતો. આજે સવારે મંદિરનાં પગથિયાં ઊતરતાં એમણે કરેલી વાત હજુ મારા મનમાં ઘૂમરાતી હતી, એમાંય એમણે વાપરેલો ધર્મગ્રંથ' શબ્દ મને ખાસ યાદ રહી ગયો હતો. એમની પાસે ધર્મગ્રંથોનું જ્ઞાન છે, એ હું સમજી શક્યો હતો, એટલે મેં મારા મનમાં ઘુમરાતો પ્રશ્ન એમને પૂછયો:
નિકુમાર, મને એ વાત સમજાવો કે નિર્દોષ અને નિરપરાધી ઋષિદત્તા પર આવું કલંક કેમ આવ્યું? એના પર આવો જુલ્મ શાથી થયો?” | ઋષિકુમારે મારી સામે જોયું. આંખો બંધ કરીને બોલવા માંડ્યું : “કુમાર, આ સંસાર.. આ દુનિયા અનાદિ છે અને એમાં રહેલા જીવો પણ અનાદિ છે. મનથી, વાણીથી અને કાયાથી જીવો સારાં-નરસાં કામ કરે છે. એ મુજબ એ જીવો પુણ્યકર્મ અને પાપકર્મ બાંધે છે. એ બાંધેલાં કર્મનું ફળ એ જ જીવનમાં મળે, એવો નિયમ નથી. પછીના ગમે તે જન્મમાં એ કર્મો ઉદયમાં આવે છે અને એનું ફળ જીવોને મળે છે. પુણ્યકર્મના ઉદયથી સુખ મળે છે, પાપકર્મના ઉદયથી દુ:ખ મળે છે. પાપકર્મના ઉદય વિના દુઃખ ન જ આવે.”
For Private And Personal Use Only