________________
નહિ એસો જનમ બાર-બાર
૯૯
પણ આવું બનવાના કારણોની તપાસમાં ઊતરીએ તો અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ, બંધારણ, જીવન વગેરે ઘણા બધાને ટાંકી શકાય. પરંતુ તેની સાથે સાથે બીજું પણ એક કારણ છે જેણે ધર્મશ્રદ્ધાને હચમચાવી નાખવામાં ઠીક ઠીક ફાળો આપ્યો છે.
એ છે; આજના કહેવાતા ધર્મીવર્ગે બેઢંગું બનાવેલું ધર્મસ્વરૂપ.
પોતાની સ્વાર્થવૃત્તિઓને પોષવા માટે ધર્મનો સહારો લેનારા કેટલાક શ્રીમંતો વગેરેએ ધર્મનું આખુંય સ્વરૂપ વિકૃત કરી નાખ્યું છે. મંદિરમાં ખૂબ ધર્મ કરનાર વ્યક્તિની અક્ષમ્ય અનાચારિતાની કેટલીક બાજુએ નવી પેઢીમાં તિરસ્કાર પેદા કરી દીધો છે. તેઓ એમ બોલતા થઈ જાય છે કે પાપોની ગટરોના ઢાંકણ સમો શું ધર્મ હશે?
આવી બધી કેટલીક વિકૃતિઓને કારણે ધર્મ નિંદાયો છે. આ વાતને ધર્મી વર્ગે ખૂબ ગંભીરતા સાથે ધ્યાનમાં લેવી જોઈએ.
જેવું માથું હોય તેવી જ ટોપી શોભે. બેઢંગી ટોપી માથાનેય ખરાબ દેખાડે. ધર્માત્માનું જીવન માત્ર મંદિરોમાં જીવવા માટેનું નથી, એ જીવનનો ધબકાર તો દુકાનમા રસોડામાં મિત્રમંડળમાં અને શયનખંડમાં પણ તાલબદ્ધ રીતે ચાલ્યો જવો જોઈએ.
જો ધર્માત્માઓ આવુ એકધારું, નિર્મળ; નિઃસ્વાર્થી જીવન બનાવશે તો એનું દર્શન કરીને અનેક આત્માઓ ધર્મ પ્રતિ આકર્ષાશે; ધર્મી બની જશે. એ નવી પેઢી ગમે તેટલી નફ્ફટ બની હોય તો ય જ્યાં સુધી હિન્દુસ્તાનનું એ પવિત્ર બીજ છે ત્યાં સુધી એને સુધારવાની બાજી આપણી તરફેણમાં જ રહેવાની છે.
શું પૈસો અગીઆરનો પ્રાણ છે!!!
કોણ કહે છે કે પૈસો છે તો બધું છે? પૈસો હોય તો શાક મળે, કપડાં મળે, કન્યા મળે, ઘરબાર મળે, માનપાન મળે, સત્તા મળે.
કોણ વધારી મૂકે છે પૈસાનું મૂલ્ય! જગતની જે અત્યંત મહત્ત્વની વસ્તુઓ છે. જેના વિના જીવન જીવન નથી; એ બધું ય પૈસાથી ક્યાં ખરીદી શકાય છે? | સાંભળો. બજારમાં પૈસાથી ચંપલ વેચાતા મળી જશે; પણ કુદરતી પગ ક્યાં ય નહિ મળે.
ચશ્મા મળશે; પણ બધા ય અંધોને આંખ નહિ મળી શકે.