________________
૧૦૦
નહિ એસો જનમ બાર-બાર
પૈસાથી ટોપી મળી જશે; પણ ટોપી પહેરતું માથું ક્યાંય નહિ મળે. ના, લાખ રૂપિયા આપતા ય નહિ મળે.
પૈસાથી ગાદી મળશે; ઊંઘ કદાપિ નહિ. બિચારા શ્રીમંતોને ઘેનની ગોળીઓ પણ બિનઅસરકારક બનતી જાય છે.
રે! ભોજન મળી જશે; પણ ભૂખ ક્યાંથી લાવશો? ભૂખ લગાડવાની દવા ખાવાથી ભૂખ લાગી જશે એમ? રામ રામ કરો.
અબજોપતિ હેન્રી ફોર્ડને પૈસાના બળ ઉપર મિત્રો ઘણા મળ્યા. પણ એણે જ કહ્યું કે “સાચો મિત્ર’ તો એકેય ન મળ્યો.
જો પૈસાથી આંખ, પગ, માથું ન મળતા હોય, ઘસઘસાટ ઊંઘ, કકડીને ભૂખ અને સાચા મિત્રો ન મળતા હોય. રે! જીવનની વહી ગયેલી પળો પાછી ન મળતી હોય, ઘડપણ અને મરણ ન ટળતાં હોય, રોગ અને શોક વિદાય ન પામતા હોય તો ધૂળ પડી એ ધનમાં! એનું મૂલ્ય કદી વધુપડતું આંકશો નહિ.
નીતિ : સર્વધર્મોનો મૂળ પાયો
અપેક્ષાએ એમ કહી શકાય કે સમ્યગદર્શનના ચિત્રને સુંદર રીતે આત્મામાં ઉપસાવી દેવાનું બળ માર્ગાનુસારી જીવનના પાંત્રીસ ગુણોમાં છે. તેમાં ય પ્રથમ ગુણ તરીકે જણાવેલી “નીતિ'માં છે. નીતિમાન માણસમાં માર્ગાનુસારી જીવનની બધી કલાઓ પ્રવેશ પામે. એ થતાં ભૂમિ-શુદ્ધિ થાય. શુદ્ધ થયેલી એ ભૂમિ ઉપર જ સમ્યગદર્શનાદિ ગુણોના ચિત્રામણ સુંદર રીતે ઊઠાવ આપે ને?
આજે તો તપ, જપ આદિના મોટા મોટા ધર્મોનું વર્ષો સુધી સેવન કરનારાઓ પણ વારંવાર ફરિયાદ કરે છે, “અમારા જીવનમાં હજી સાચો ધર્મ કેમ પરિણમ્યો નથી ?''
બેશક, આ પ્રશ્નના અનેક ઉત્તરો હોઈ શકે, પરંતુ એક ઉત્તર એ પણ આપી શકાય કે વર્તમાનકાળના એ ધર્મી ગણાતા જીવોમાં નીતિનું તત્ત્વ તળીએ જઈને બેઠેલું હોય છે.
વેપારમાં નીતિ વિના મેળવેલું ધન ઘરમાં પેસે પછી તે ક્યો કાળો કેર ન મચાવે એ જ પ્રશ્ન છે. સૌપ્રથમ મન બગાડે; પછી જીવન બગાડે; વડીલનું અને સર્વ આશ્રિત સ્વજનોનું!