________________
નહિ એસો જનમ બાર-બાર
દુનિયાના માણસોના શરીરમાં ૯૮ ડીગ્રી જેટલી ગરમી હસ્તી ધરાવે છે. જો સૂર્યમાં આટલી પ્રચંડ ગરમી ન હોત તો જીવસૃષ્ટિમાં થોડી પણ ગરમી ન રહેત. એથી સહુનો નાશ થાત!
બેશક વિજ્ઞાનના આ મંતવ્ય સાથે આપણે સંમત નથી. પરંતુ તેનો અભિપ્રાય આપણી વાતમાં વિચારવો છે.
જિનેશ્વરભગવંતના શાસનમાં જન્મ પામેલા જેનોને કેટલા ભાગ્યશાળી ગણવા? અરે! એમના ભાગ્યની તો શી વાત કરવી? એના મૂલ્ય શી રીતે આંકવા? ત્યાં ગણિત જ ખૂટી જાય તેમ છે.
જૈનની સામે વિરાગના કેટલા જ્વલંત આદર્શો છે! એની સામે જે દેવતત્ત્વ છે એ કેટલું વીતરાગમય છે! ક્યાં ય કોઈ વાતની નબળાઈ શોધી ન જડે! ઢાંકપિછોડા કરવાની તો જરૂર જ ન પડે! એ શાસનપતિ તીર્થંકર પરમાત્માઓના ગૃહસ્થજીવન પણ ભરપૂર વિરાગથી પ્રોક્વલ બનેલા હોય!
ગુરુતત્ત્વ પણ કેટલું બધું સુંદર! કેવું કઠોર જીવન! કેવી જિનાજ્ઞાપાલકતા! સંસારસુખો તરફ કેવી ભયાનક નફરત! સ્વપ્ન ય એ સુખ સ્પર્શે તો ઊંઘમાં ઘૂજી જાય!
અને એનો ઉચ્ચ કક્ષાનો શ્રાવકવર્ગ પણ કેવો? કેવું ઔદાર્ય? કેવી જિનભક્તિ? કેવી ખુમારી?
પેથડો, કુમારપાળો, સંમતિઓ, ભામાશાહો અને જગડુશાહોનું શાસન કેવું દીપી રહ્યું છે? જ્યાં આટલા ઊંચા આદર્શો છે ત્યાં થોડોય વિરાગ, થોડું ય ઔદાર્ય, ખુમારી, પ્રેમ વગેરે કેમ ન હોય? જેને થોડું ય ન હોય તેના જેવો કંગાળ બીજો કોઈ હોઈ શકે ?
ત્રણ રસથી ધર્મરસ
ઉત્તમ આત્માને મોક્ષના રસથી ધર્મરસ હોય; મધ્યમ આત્માને પુણ્યના રસથી ધર્મનો રસ હોય; અધમ આત્માને (સંસાર) સુખના રસથી ધર્મરસ હોય. બેશક, ઉત્તમ તો મોક્ષરસી જ કહેવાય. પણ સુખરસીને સીધો મોક્ષરસ ઉત્પન્ન ન થતો હોય તો તે માટે તેને પુણ્યરસી બનાવવો એ ય ખોટું તો ન જ કહેવાય. વર્તમાન કાળના સુખરસીઆઓ પુણ્યરસી બને તો ય ઘણા સારા.