________________
નહિ ઐસો જનમ બાર-બાર
ઉપવાસ કરો; આજીવન બ્રહ્મચારી બનો; સર્વસ્વનું દાન કરો... બધું ય નિષ્ફળ.
માટે જ ગમે તે રીતે મજાનો એવો મોક્ષ મજાનો લાગી જ જવો જોઈએ. ત્યાંનો આનંદ; ત્યાનું સુખ; ત્યાંનું શાશ્વત જીવન; વગેરે સમજી લો અને તે સ્થાનના પ્રેમી બની જ રહો.
પણ નહિ જોયેલી એ દુનિયા ઉપર પ્રેમ જગાડી દેવાનું કામ ઘણું જ કાઠું છે એમ લાગે છે; ચાહે તેટલી એ ચીજ સારી હોય.
હવે શું કરવું? મોક્ષનો પ્રેમ તો ગમે તે રીતે જગાડવો જ રહ્યો.
ખેર... પેલી વાત યાદ આવે છે કે દિવેલ પીવા માટે બાળક સીધી રીતે મોં ખોલે નહિ તો મા એનું નાક દબાવીને પણ મોં ખોલાવી દે છે. આવી જ કોઈક “ટ્રીક” અહીં સમજાવવી છે.
સારું ત્યારે; ભલે મોક્ષના આનંદની મજામાં મજા ન આવતી હોય પણ ચારે બાજુથી સળગેલા તમારા સંસારના સુખોની સજા તો અનુભૂત જ છે ને? કેવો સળગ્યો છે સંસાર? એકે ય વાત દુઃખ વિનાની નહીં, એકાદ દુઃખ બધાં સુખને સળગાવે; બધા સુખ અંતે તો વિયોગ જ પામે. હાય! માર્યા વિના તો અહીં જિવાય જ નહિ. આવા સંસાર ખાતર અમૂલ્ય શક્તિ, સમય અને ધર્મનો ભોગ આપી દીધો તો ય એ તો અહીંથી હાલ્યા જવાનું રોકડું પરખાવી જ દેશે.
કેવો ખરાબ છે સંસાર? તો અહીંથી નાસી જ છૂટવું જોઈએ ને? જ્યાં આ સંસાર નથી ત્યાં સ્તો વળી.
બંગલાદેશના બંગાળીઓએ બંગલાદેશમાંથી કેવી નાસભાગ કરી? શું ભારત તેમને ગમી ગયું છે? ના... પણ યાહ્યાખાનના પંજામાં સપડાયેલો દેશ તો તેમને ભૂડો લાગી જ ગયો છે. માટે જ... તમે ય એક વાર સહુ સાથે બોલો... “સંસાર ખૂબ જ ખરાબ છે.'
“ભૂખ્યાને પ્રથમ ભોજન! પછી ધર્મ!”
કહેનારાઓને...
ચારે બાજુ બૂમરાણ મચી છે, “ભૂખ્યાને ભોજન જ ન મળે; નાગાને વસ્ત્ર જ ન હોય; સૂવાને ઓટલો ય ન હોય તે માણસને ધર્મની વાતો કરવાનો કોઈ અર્થ નથી. પહેલાં એની જરૂરિયાતો પૂરી પાડો; પછી ધર્મની વાત કરો.”