________________
નહિ એસો જનમ બાર-બાર
૮૩
જે ધર્માત્માને માટે ધર્મ જ સદા સાધ્ય બની રહે છે. ધર્મથી ધન મળે તો ય જે ધર્મને વધુ શ્રદ્ધાથી વળગી રહે છે; જેને ધન આદિની માત્ર આજીવિકા પૂરતી જરૂર છે; એટલી આજીવિકા ન મળે તો ધર્મમાં વિઘ્ન આવતાં જેનું મન ઉદ્વેગ પામે છે તેની વાત સાવ જુદી છે. ગીતાર્થગુરુ અને એ મુગ્ધ ધર્માત્મા વચ્ચેની વ્યક્તિગત બાબત છે.
આત્મા ઉત્તમ! છતાં ક્યારેક
કાર્ય અધમ! શાથી?
જન્મ-જન્માંતરોની ધર્મસાધનાના બળે આત્મામાં સાહજિક ઉત્તમતા પ્રકાશતી હોય છે. કેટલાક મનને મનાવવા-સમજાવવાના પ્રયત્નપૂર્વક સાચો ધર્મ કરતા હોય છે. તો કેટલાક આત્માઓ સહજ રીતે જ ધર્મ કરતા હોય છે. ચંદનની સહજ સુવાસ જેવી એમની ઉત્તમતા હોય છે.
પણ આવા ઉત્તમ આત્માઓ પણ પોતાના જીવનમાં ક્યારેક અધમકૃત્ય આચરી બેસે તેવું બની જાય ખરું. બેશક! એ સ્થિતિ ખૂબ જ આશ્ચર્યભરી લાગે પરંતુ શાસ્ત્રની સૂઝવાળા જ્ઞાનીઓને તેમાં કશુંય આશ્ચર્ય જણાતું નથી. પ્રશ્ન એટલો જ છે કે સાહજિક ઉત્તમતાવાળા આત્માઓનું એ જાતનું પતન શાથી થઈ જતું હશે?
આના સમાધાનમાં શાસ્ત્રકાર મહર્ષિઓ જણાવે છે કે આવું બનવા પાછળ જન્મજન્માંતરની કોક ગંભીર ભૂલ કારણ બનતી હોય છે.
ઉત્તમ કક્ષાનો ધર્મ કરવા છતાં જો તે ધર્મ દ્વારા સાંસારિક સુખો પ્રાપ્ત કરવાની ભાવના ચિત્તમાં જોર પકડી લે અને તેની યાચના પણ તીવ્રતા પામે તો તે ઉત્તમ ધર્મ ઉત્તમતા આપે અને તે અધમ ભાવના અધમ કૃત્યોની કાળી ટીલી પણ લગાડે.
તમામ વાસુદેવો અને પ્રતિવાસુદેવો અવશ્ય મોક્ષગામી હોવાની ઉત્તમત્તાવાળા હોવા છતાં જે અકાર્યોથી તત્કાળ નારકભેગા થઈ ગયા તે અકાર્યોનું બીજ જન્માંતરના તીવધર્મ સાથેની તીવ્ર સાંસારિક વાસનાઓમાં પડેલું જ હતું.
સાંસારિક વાસનાઓની પૂર્તિની ભાવના સાથે કરાતા ધર્મ દ્વારા આત્મા સાથે કેવી ભયંકર રમત રમાઈ જાય છે એ વાત બરોબર સમજાઈ જવી જોઈએ; જેથી એ પાપ જીવનમાં કદી ઉદ્ભવે નહિ.