________________
નહિ એસો જનમ બાર-બાર
ચમત્કારિક ગણાયેલા તીર્થોમાં દોડે છે; દોરાધાગાધારી સાધુઓની પાસે ફરતા રહે છે અને આયંબિલ અઠ્ઠમ આદિ તપ-ધર્મોનું સેવન કરતા હોય છે. આવા લોકોને ભાગ્યવાન બનવું હોય છે. આ લોકો ભગવાન વગેરેને તેનું સાધન માની બેઠા છે.
દેવ, ગુરુ, ધર્મની-આનાથી વધુ ક્રૂર-આશાતના કઈ હોઈ શકે ? સાધ્યને સાધન બનાવી દેવું! એના જેવું ક્રૂર પાપ, ઘોર મિથ્યાત્વ બીજું કયું હોઈ શકે? હજી ડાહ્યા બનો સાંસારિક સુખો પ્રત્યેના કાતીલરાગના પાગલપનથી મુક્ત થાઓ અને રસોઈ બનાવવા માટે જેમ કોલસો સળગાવી દેવા દ્વારા સાધન બને છે તેમ ભગવાન બનવા માટે દેહાદિ સાધનોને શોષવી નાખીને સાચા સાધન બનાવી દો તો ઘણું સુંદર.
સુખરસિયાને સુખ દેવાય?
જેને સંસારના સુખો પ્રત્યે ગાઢ આસક્તિ છે અને ધર્મ કરાવવા માટે સુખસામગ્રીની પ્રાપ્તિનું પ્રલોભન આપી શકાય? આવા લોકો જો ધર્મ કરશે તો પણ પોતાના ઈષ્ટસુખોની પ્રાપ્તિના સાધન તરીકે જ ધર્મ કરવાના છે. એમનું સાધ્ય તો સંસારના સુખો જ રહેવાના.
જો એમના નસીબે યારી આપી અને ધર્મ કરતાં સુખ મળી ગયું તો એ તરત જ ધર્મને ધક્કો મારીને ચાલતી પકડવાના. ધર્મનું આ કેટલું ભયાનક અપમાન ગણાય? એને સાધ્ય બનાવવાને બદલે સાધન બનાવવો એ જ એની ઘોર આશાતના છે.
સુખરસિયાઓએ જગતને સુખનું સાધન બનાવ્યું પણ ધર્મને ય સાધન બનાવ્યો. આવા લોકો ઉપર જો સાચી કરુણા હોય તો તે જ છે કે તેમને સુખ માટે ધર્મ ન દેખાડવો.
ઉટાટીઆની ભયાનક ખાંસી ખાતો છોકરો એની મા પાસેથી પીપરમીંટ લેવા ધમપછાડા કરે તો ય મા તેને દાદ દેતી નથી.
સંગ્રહણીનો દર્દી, કેસરિયા દૂધ પીવા ગમે તેટલી કાગારોળ મચાવે તો ય હિતેષીઓ તેને દૂધ દેતા નતી.
આ જ તેમના પ્રત્યેની કરુણા છે. જે સાધુઓ આશ્રિતોની “ખરી મા' બને છે તેઓ કદાપિ તેમની કેવળ દ્રવ્યદયા જોતા નથી.
આ આખું ય વિધાન રાજમાર્ગનું સમજવાનું છે.