________________
નહિ ઐસો જનમ બાર-બાર
૭e
આવા સમજુ ધર્માત્માને અર્થકામના સુખના ઘાસ મળે તો ય મારે નહિ; એને લપટાવે નહિ; બલકે ઉત્તરોત્તર એનો ઊર્ધ્વવિકાસ કરવામાં નિમિત્ત બને.
અનાજ તરફ જેની નજર છે તે માણસ છે. ઘાસ તરફ જેણે મીટ માંડી છે તે તો ઢોર છે. ઢોર એટલે ઢોર.
પ્રીતમ તું એક પ્યારો
રોકેટ યુગના કહેવાતા ધર્મી (!) માણસોની ધર્મ પ્રત્યેની ભાવના જોતાં ય ત્રાસ ત્રાસ થઈ જાય છે.
આ લોકો ચારે બાજુ દોડે છે. પારસનાથને ય ભજે છે; વીરને ય પૂજે છે; પીરને ય ચાદર ઓઢાડી આવે છે; માતાજીને ચૂંદડી ચડાવે છે અને હનુમાનજીને સિંદૂર મૂકી આવે છે. વળી ક્યાંક મહાદેવજી આવી જાય તો તેમને ય માથું નમાવી આવે છે. બધે ય કાંઈક ગણગણાટ કરતા રહે છે.
ભોગરસિયાઓના ગણગણાટમાં બીજું તે શું હોય? “મારું દુઃખ જાઓ; અને સુખ આવો.” એ જ કે બીજું કાંઈ !
આ ભીખ માંગવાની વાત જેવું બીજું પાપ કર્યું હશે જગતમાં? આ લોકો જે ધર્મ કરે છે એ કદી પણ સાચો-શ્રદ્ધાપૂર્વકનો હોઈ શકે ખરો?
જરા ય નહિ. આ લોકો માત્ર લોટરી લગાડતા હોય છે. “લાગ્યું તો તીર, નહિ તો તુક્કો. બધી સરકારની લોટરી લગાડી મૂકીએ. “કમાયા તો અઢી લાખ! ગયા તો પાંચ સવા પાંચ રૂપિયા જ!''
કેવી ભયાનક મનોદશા!
આવા લોકોને તો નછૂટકે એક વાત કહી દેવાનું મન થઈ જાય છે કે આના કરતાં તો એક જ ધણી માથે કરવો સારો. જે માંગવું હોય તે બધું ય તેની (અરિહંતની) જ પાસે પૂર્ણ શ્રદ્ધા સાથે માંગો. બીજે ક્યાંય ભમો મા! એ તો વેશ્યાના જેવું મન કહેવાય. વેશ્યાને માથું દુઃખે ત્યારે એકે ય આદમી દબાવવા ન આવે અને સતીને માથું દુ:ખે તો?
ઓ લોટરીવાળાઓ! તમારા દિલના દુખાવા કેમ જતા નથી એ વાત હવે તમે સમજી ગયા ને? તો હવે સંકલ્પ કરો કયાંક... પ્રીતમ તું એક પ્યારો! વિકાસ થવાનો હશે તો હજી કદાચ આજ રસ્તે થઈ જશે.