________________
નહિ એસો જનમ બાર-બાર
ધર્મથી અર્થકામ મળે પણ મંગાય નહિ
સારા મનાય નહિ દેવાધિદેવ, શાસનપતિ પરમાત્મા મહાવીરની અંતિમ દેશનામાં પરમાત્માએ પ્રથમ તો ચાર પુરુષાર્થનું વર્ણન કર્યું હતું. તેમાં મુખ્યત્વે આ વાતો હતી.
(૧) મોક્ષની અભિલાષાથી કરાતો ધર્મ એ જ ધર્મ કહેવાય. (૨) ધર્મથી અર્થકામ મળે એમાં કશું આશ્ચર્ય નથી. (૩) પણ ધર્મ દ્વારા અર્થકામ મંગાય તો નહિ જ.
(૪) ધર્મથી મળી જતી અર્થકામની સામગ્રીને કદી સારી મનાય નહિ. ભલે એ સામગ્રી ધર્મથી મળી; અને ભલે કદાચ એ સામગ્રીથી પુનઃ ધર્મ પણ થાય તો ય ધર્મથી મળેલી અને ધર્મ કરાવનારી એ અર્થકામની સામગ્રીને સારી તો ન જ મનાય.
હા, ધર્મ સારો.... પણ અર્થકામની સામગ્રી કદી સારી નહિ.
આ વિચાર ખૂબ જ મહત્ત્વનો છે. પરમાત્માની છેલ્લામાં છેલ્લી દેશનામાં રજૂ થયેલું આ ઉત્કૃષ્ટ જ્ઞાન છે માટે એનું મહત્ત્વ પણ ઘણું વધી જાય છે. ધર્મના ક્ષેત્રોમાં ઘુસી ગયેલા અર્થકામરસિકો આ વાતનું ઊંડાણ સ્પર્શે તો તેમનું ઘણું અહિત થતું અટકી જાય.
ઘાસ ઉગાડવા માટે બિયારણ?
હોય નહિ
ધર્મ તો મૂલ્યવાન બિયારણ છે. પરમપદના અનાજની ફસલની પ્રાપ્તિ માટે જ એ બિયારણ જીવનના ખેતરમાં નખાય.
હા. છતાં ઘાસ ઊગી ગયા વિના રહેતું નથી એ નિર્વિવાદ સત્ય છે. પણ એવા ઘાસની પ્રાપ્તિ માટે એ બિયારણ તો ન જ વવાય ને? ઘાસ ઊગી નીકળ્યું એ એક વાત છે. અને ઘાસ ઉગાડવું એ બીજી વાત છે. ઘાસ ઉગાડાય નહિ; ઊગી નીકળવાની વાત આપણા હાથબહાર છે.
જગતના અર્થકામના સુખો ઘાસ સમાન છે. ધર્મ કરનારને એ સુખો મળી જાય એમાં વાંધો નહિ; પણ મંગાય તો નહિ જ.
મૂલ્યવાન બિયારણશા ધર્મના ફળરૂપે તો પરમપદની અનાજની ફસલ જ મંગાય.