________________
નહિ એસો જનમ બાર-બાર
મંદિરમાંથી બહાર નીકળ્યા બાદ ફરી પેલા સુખદુઃખના વિચારો ચિત્ત પ્રદેશમાં ઊતરી પડે તે બને.
તમે જો સાચું પ્રભુદર્શન કરતા હશો તો તમારા માટે એ અર્થાદિની ભીખ માંગવાનું ભિખારીપણું અસંભવિત બની ગયું હશે. જેને આ સંસાર ત્યાં ય યાદ આવે છે એને પ્રભુનું દર્શન કરનારો કેમ કહી શકાય? પ્રભુના દર્શન કરનારને તો પ્રભુએ કરેલા મહાસુખમય સંસારના, ત્યાગનું જ દર્શન થાય; પ્રભુએ સમજાવેલી સુખમય સંસારની અસારતાનું કાનમાં ગુંજન થાય. દુઃખને કદી નહિ રડનારા, દુઃખને તો સામે જઈને સ્વીકારનારા; એથી જ કર્મનો વિનાશ શક્ય બનવાનું જોનારા પરમાત્મા જેને દેખાય એને સુખનો રાગ, અને દુઃખનો દ્વેષ, એ પળોમાં તો ઊભો ન જ રહી શકે. ત્યાં કાં તો દર્શન નથી; કાં તો રાગાદિ નથી. બે ય સાથે તો સંભવિત જ નથી.
મોક્ષ માગવામાં બધું આવી જાય?
પછી બીજું કાં ન માગો?
ઈષ્ટદેવ પાસે જેઓ મોક્ષ જ માગે છે તેમને મોક્ષ અવશ્ય મળે છે. એટલું જ નહિ પણ જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધીના ભાવોમાં સર્વ ભૌતિક સુખો અવશ્ય પ્રાપ્ત થાય અને દુઃખોનો વિનાશ પણ અવશ્ય થાય. વળી એ સુખદુઃખોમાં વિરાગ અને સમાધિ પણ અવશ્ય પ્રાપ્ત થાય.
જો આ વાત આટલી બધી ચોક્કસ છે તો પછી મોક્ષ જ કેમ ન માગવો? બીજું કાંઈ પણ શા માટે માંગવું? એ બધું આપોઆપ મળવાની ખાતરી જ છે તો તેની ચિંતા જ શાને કરવી. સો રૂપિયાની નોટ મળતાં દસ રૂપિયાની નોટ માંગવાની જરૂર જ રહેતી નથી. કેમકે સોની નોટમાં તો દસ દસ રૂપિયાની દસ નોટ સમાઈ જ જાય
ઉલટ પક્ષે; જો અર્થકામની યાચના કરાય તો કદાચ તે મળે તો ય શાંતિ તો ન જ દે; ચિત્તને વિરાગ અને સમાધિ આપવાની તાકાત તો મોક્ષની જ માગણીમાં છે. એવા માગેલા અર્થકામ શા કામના કે જેની સાથે તીવ્ર આસક્તિના અને હૈયાહોળીના તોફાનો પણ પ્રાપ્ત થતા હોય?
આમ બધી રીતે એક જ વાત નિશ્ચિત થાય છે કે ઈષ્ટદેલ પાસે મોક્ષ માંગો.... સિવાય કશું ય નહિ.