________________
૮
નહિ એસો જનમ બાર-બાર
લેવારૂપ અંતઃકો. કો. સાગરોપમની સ્થિતિ લાવીને સમ્યકત્વ પામવાની-હૃદયની સમજૂતીની પ્રક્રિયા પામતા વાર શી લાગશે?
બુદ્ધિની થાપ અને મહાથાપ
માનવ જેવા માનવની પણ બુદ્ધિ કેવી કેવી થાપ ખાઈ રહી છે? પળે પળે પાપના પંથે ડગ મંડાવે છે કોણ? જે પળમાં બુદ્ધિ થાપ ન ખાય તે પળમાં પાપ થવાનું અસંભવિત છે. બુદ્ધિ જ બગાડે છે કે માણસને? એણે જ અનીતિનું ધન લઈ લેવાનું કાનમાં કહ્યું ને? “લઈ લે; લૂંટી લે; આંચકી લે; નીતિની વાતો કર મા! નહિ તો ભૂખે મરશે તારા બાળબચ્ચા!”
અરે! જોઈ લે રૂપને; ભોગવી લે ભોગને; માણી લે સૌંદર્યને! પરલોકના ગપ્પમાં અટવાઈશ નહિ. અન્યથા બે ય ભવ બગડી જશે.”
બુદ્ધિએ આવી વાતો કરી કરીને કોણ જાણે કેટલાયના દિલ બગાડયા હશે? જીવન બગાડયા હશે?
આવી તો કેટલીય થાપ સહુએ ખાધી હશે? જેમ કોઈ ઘરમાં મરણ જ ન થયું હોય એવું બને નહિ.... તમે કોઈના જીવનની કોઈ પણ પળ બુદ્ધિએ બગાડી હોય નહિ તે ય બને નહિ. એવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે.
પણ આ તો ઠીક, બુદ્ધિએ થાપ જ ખવડાવી હોત તો હજી વાંધો ન હતો. પણ એણે તો મહાથાપ પણ ખવડાવી દીધી છે! - થાપ ખાઈને પાપ કરનારા માણસને સરુની સાખે પ્રાયશ્ચિત અને અંત:કરણનો પશ્ચાત્તાપ પણ એ કરવા દેતી નથી. એ કહે છે, “જઈશ નહિ ગુરુ પાસે ! કહીશ નહિ તારા પાપ! નહિ તો તેના દ્વારા તારા પાપ જાહેર થતાં જ બેઆબરૂ બની જઈશ!” કેવો ભયંકર તરંગ!
પાપ કરનાર ધર્માત્માને તો કેશરિયાં દૂધ પાઓ તો ય તેના લોહી થવાને બદલે લોહીના પાણી થતાં હોય... એને બદલે બુદ્ધિની મહાથાપ નચિંત અને નફીકરો બનાવી દે ! હાય! આ સ્થિતિ એને વધુ નઠોર અને કઠોર બનાવીને ક્યાં લઈ જશે?