________________
નહિ ઐસો જનમ બાર-બાર
જ્યાં પાપના અનુબંધો પછાડતા હોય ત્યાં
પુણ્યના બંધ શા કામના?
માત્ર પુણ્ય બાંધવા તરફ જો ધર્મીજનોનું લક્ષ રહેતું હોય તો તે બરાબર નથી. કેમકે બંધ પુણ્યનો પડે પરંતુ જો એ વખતે અનુબંધ પાપનો પડી જાય તો ભારે જુલમ થઈ જાય. પુણ્યના ઉદયે કદાચ દેવગતિ પણ મળી જાય પરંતુ પાપના અનુબંધો ત્યાં ગયેલા આત્માનું ધનોતપનોત કાઢી નાખે. દેવીઓમાં અતિશય કામાસક્તિ; વધુ સમૃદ્ધ દેવો પ્રત્યે આગઝાળ ઈર્ષ્યા; જીવલેણ મિથ્યાત્વનો ઘોર ઉદય વગેરે ભેગા થઈને આત્મનો ટોટો જ પીસી નાખેને? એવા પાપાનુબંધી પુણ્યના ઉદયના તે કદી વખાણ થાય ખરા? હાય! એ પાપી પુણ્યોના ઉદયની શી વાત કરું?
જે ત્રીજા વગેરે દેવલોકમાં દેવીનો જન્મ જ નથી તેમાંના બારમા દેવલોકના દેવાત્માઓને સામાન્ય રીતે તો માનસિક વિચારમાત્રથી વાસનાની તૃપ્તિ થઈ જતી હોય છે. છતાં બારમા દેવલોકના દેવાત્માને પણ જો ઘોર પાપાનુબંધ ચાલતો હોય તો દેવીઓને પણ છોડીને; ૪૦૦ યોજન સુધી ફેલાતી મઢ્ય લોકની દુર્ગધને પણ સહી લઈને એ દેવાત્મા આ ધરતી ઉપર આવે છે અને મળ, મૂત્રાદિની ગંદકીથી ભરપૂર કોઈ સ્ત્રીના દેહમાં મોહાઈ પડીને કાળા કામ કરે છે. બિચારો કદાચ એ જ પળોમાં આયુષ્ય પૂર્ણ કરે તો તે જ સ્ત્રીની કુક્ષિમાં ઊંધા માથે લટકતા ગર્ભરૂપે જન્મે.
બારમા દેવલોકમાં જન્મ પામવામાં પુણ્યોદય કેટલો જોરદાર? પણ પાપના તીવ્ર અનુબંધોના તોફાન પણ કેટલા ભયાનક!