________________
નહિ ઐસો જનમ બાર-બાર
જેણે પોતાના માથે સદ્ગુરુને સ્વીકાર્યા નથી એને કોઈના ગુરુ બનવાનો અધિકાર નથી. બધાને ગુરુ તરીકે સ્વીકારનારા ધર્માત્માએ પણ પોતાના જીવનના ભોમીઆ સમા સઘળી વાતોના જાણકાર એવા એક સદ્ગુરુને તો નક્કી કરવા જ રહ્યા; અન્યથા જેના બધા ગુરુ એના એકે ય ગુરુ નહિ - એ નગુરો - એવું સમીકરણ એને લાગું કરવું જ રહ્યું.
૫૭
ધર્માત્માને જો નિશ્ચિત ધર્મગુરુ હોય તો એ સર્વત્ર પોતાના ગુરુની વાતો કરતો હોય. એથી સહુ એના ગુરુનું નામ જાણતા જ હોય. ‘તમારા નિશ્ચિત ગુરુ કોણ ?’ એમ હું તમને પૂછું તો તમે મૂંગા જ રહો ને ? વહેલામાં વહેલી તકે સદ્ગુરુને માથે સ્વીકારો... શેષ સર્વ પ્રત્યે સદ્ભાવ સદા જાળવીને ધિક્કારને દૂર રાખો.
સુખમાં શાંતિ શે મળે? પુણ્યના વિચારે
ધર્મથી પુણ્ય મળે. પુણ્યથી સુખ મળે.
આમ ભલેને સુખ ધર્મથી મળ્યું છતાં તેને સારું તો ન જ મનાય.
શીતળ ચંદનના લાકડામાંથી પ્રગટતી આગ જેવું પુણ્ય છે. એ આગ પણ દઝાડ્યા વિના રહે ખરી?
બેશક. જીવબળીયો હોય અને પુણ્ય ભોગવતા અનાસક્ત રહી જાય એ જુદી વાત છે પણ એ સિદ્ધિ ય કોને મળી? જે જીવે એ પુણ્યજનિત સુખને આગ માન્યું તેને જ ને? વળી એમાં જીવનો મહિમા છે. જો પુણ્યનું એની ઉપર ચાલત તો એ જરૂર દઝાડતા.
પુણ્યથી સુખ મળે છે. શાંતિ નહિ. જેને સુખ મળે છે તે પ્રાયઃ એ સુખમાં આસક્ત થઈ જાય છે. એટલો બધો આસક્ત થાય છે કે ભોગવવા છતાં એને શાંતિ થવાની તો દૂર રહી પણ અતૃપ્તિ વધવાથી અશાંતિ વધતી જાય છે. બીજી બાજુથી બીજાઓને મળેલા સુખ એનાથી ખમાતાં નથી એટલે ઈર્ષ્યાનું અગનતાંડવ એના અંતરમાં ખેલાય છે.
આમ પુણ્ય સુખ આપીને છટકી જાય છે તો માનવ અશાંતિથી ભડકે બળીને બરબાદ થઈ જાય છે.