________________
નહિ ઐસો જનમ બાર-બાર
૫૫
જગતના માનવો પણ ઊંડું ચિંતન કરતા થઈ ગયા છે. એના પરિણામે તેઓ આત્મવાદી બની રહ્યા છે.
‘પાવર વિધિન’ નામના પુસ્તકમાં તેના લેખક એલેક્ઝાંડર કેનને લીફટ, પાણી વગેરેના દૃષ્ટાંતો આપીને આ વાત સમજાવી છે. (વિજ્ઞાન એ ધર્મ નામના મારા પુસ્તકમાં આ વાત વિસ્તારથી આપી છે.) એની સાથે એમણે કાચના પ્યાલાનો પ્રયોગ આપ્યો છે કે કાચના એક પ્લાલામાં પોણા પ્યાલા જેટલું પાણી નાખો. તેમાં હાથરૂમાલનો પોણો ભાગ સરકાવી દો અને બાકીનો રૂમાલ પ્યાલાની ધાર ઉપર રહેવા દો. હવે આ સૂકા રૂમાલ ઉપર સાકરનો એક ટુકડો મૂકો. શું તે ઓગળશે ? નહિ જ ને ? ભલે. હવે તે જ સૂકા રૂમાલને અને તે સાકરને પણ પાણીમાં ઉતારી નાખો. થોડી જ વારમાં સાકર પણ ઓગળી જશે. અને એની મીઠાશ એ રૂમાલના પ્રત્યેક તંતુમાં વ્યાપીને એક૨સ થઈ જશે.
આ પ્રયોગ આપીને લેખક કહે છે કે આપણા જાગ્રત મનમાં જે વિચારો ચાલે છે તે સૂકા સાકરના ટુકડા જેવા છે પરંતુ એ વિચારોના જે સંસ્કારો આત્મામાં વ્યાપી જાય છે તે એ જ સાકરનો પાણી અને રૂમાલમાં થઈ ગયેલો એકરસ ભાવ છે.
પંચસૂત્ર ગ્રંથમાં પણ કુસંસ્કારોના બળને તોડી પાડવાની અને સુસંસ્કારોના બળને વધુ મજબૂત કરવાની જોરદાર પ્રેરણા કરવામાં આવી છે. જીવનમાં જેટલી જરૂર ધર્મક્રિયાની છે તેટલી જ, બલકે તેથી પણ વધુ જરૂર આ સંસ્કાર તોડજોડની સાધનાની છે એ વાત હૈયામાં ખૂબ ઠસાવવી પડશે.
મનનાં મેલ, બેવડો માર દે
મનનો મેલો માણસ ધર્મ કરીને પુણ્ય ભલે મેળવી જાય પણ એ પુણ્યજનિત વૈભવમાં એને મજા તો ન જ હોય.
સુખની સામગ્રીનો બહિરંગ ‘મેક-અપ’ એક જુદી વસ્તુ છે અને ‘મજા’ એક જુદી જ વસ્તુ છે.
વળી આવા માણસો ભારે મેલાશ સાથે પાપો કરતા હોય એટલે એના આગઝાળ દુઃખોની સજામાંથી એમને ક્યારેય મુક્તિ ન મળે.
આમ બેવડો માર ખાય.
મજાનું નામ નહિ; સજામાં ફેરફાર નહિ.