________________
નહિ ઐસો જનમ બાર-બાર
૫૩
ખરાબ કે શાંત-અશાંત બને છે.
સુખદુઃખમાં સારા બનવું કે ખરાબ? એ પ્રશ્નનો ઉત્તર અનુબંધના ખાતાનો છે. જે સારો છે તે અવશ્ય શાંત છે; જે ખરાબ છે તે અવશ્ય અશાંત છે.
સુખમાં ય સારાપણું અને શાંતિ સંભવે; દુઃખમાય તે બેયનું જોડલું સંભવે. એમ સુખમાંય ખરાબપણું ને અશાંતિ સંભવે અને દુઃખમાંય તે બેનું સહચારી યુગલ સંભવે.
જૈન તત્ત્વજ્ઞાન સુખ, દુઃખની ચિંતા કરવા કરતાં સારા-ખરાબપણાની ચિંતા કરવાનું કહે છે. શાંતિ-અશાંતિ તો આપોઆપ એની પાછળ આવનારા જીવન-તત્ત્વો છે. આટલું સમજાશે તો ધર્મનો મર્મ સમજાશે.
તો બધા સિદ્ધપરમાત્મા ફરી સંસારમાં આવી જાય
પુણ્યના કે પાપના કાર્યમાં સ્વેચ્છાપૂર્વક કોઈ વ્યક્તિ નિમિત્ત બને તો તેને પુણ્ય કે પાપકર્મનો બંધ જરૂર થાય પણ જો તે વ્યક્તિની તેવી કોઈ ઈચ્છા જ ન હોય તો તે કાર્યમાં નિમિત્ત બની જવા માત્રથી તેને તેવો કર્મબંધ ન જ થાય.
મરતા માણસ પાછળ જે પુણ્યદાન થાય છે તેમાં મૃત્યુ પામેલાની પૂર્વે સંમતિ હોય તો જ તેને પુણ્ય મળે. અન્યથા તેના નિમિત્તને પામીને કરાયેલા પુણ્યદાનથી તે વ્યક્તિને કશો લાભ ન થાય.
જો આ રીતે ઈચ્છા વિના પણ કર્મબંધ થઈ જતો હોત તો સંગમના અનંત સંસારમાં ભગવાન મહાવીર નિમિત્ત બન્યા તો હતા જ ને ? ભગવાન ન હોત તો સંગમ એવા ઘોર ઉપસર્ગો એમના નિમિત્તે તો ન જ કરત ને ?
આમ છતાં પ્રભુએ એમાં નિમિત્ત બનીને પાપકર્મનો બંધ કર્યો નથી.
એનું કારણ એ જ છે કે પ્રભુ એવું ઈચ્છતા જ ન હતા કે, “સંગમ આવું પાપ કરીને અનંત સંસારી બને.’’
વળી જો આ જ વસ્તુસ્થિતિ હોય તો તો કોઈ આત્મા સર્વ સિદ્ધોને ગાળો દેવા
લાગે તો બધા ય સિદ્ધ પરમાત્મા સંસારમાં આવી જાય. કેમકે પેલાને ગાળો દેવડાવવામાં સિદ્ધભગવંતોએ જ નિમિત્ત બનીને પાપકર્મ બાંધ્યુંને ?
પણ આ વસ્તુસ્તિતિ નથી.