________________
૪૮
નહિ એસો જનમ બાર-બાર
જો એ તરકીબ ન બતાવી હોત તો? આપણે ક્યાંથી અનુબંધ તોડજોડનું એ તત્ત્વજ્ઞાન શોધી શકવાના હતા?
અશુભના અનુબંધ તોડો.. પછી ભલેને કેન્સરની ગાંઠ નીકળતી. એ ય પછી તો જીવનના પાપોનાં પ્રાયશ્ચિત કરવાની ધન્યતા બક્ષશે.
ભલેને એકનો એક લાડકવાયો દીકરો દગાબાજ નીકળતો! એકત્વ અને અશરણ ભાવનાથી ભાવિત થવાનું સદ્ભાગ્ય એ જ દુર્ભાગ્યમાંથી પ્રાપ્ત થશે.
ભલેને પહેરેલે કપડે ઘરમાંથી નીકળી જવું પડે! એમાંથી જ સાધુજીવનના ઉબરે કદાચ પગ મૂકી દેવાશે. દુઃખ કે સુખ બધું ય સમાન બની જાય એવી સ્થિતપ્રજ્ઞતા તમારે પામવી હોય તો અશુભ અનુબંધો તોડી નાખો. પછી બધી બાદબાકી થતાં શેષમાં રહી જશે અપાર આનંદ; સમાધિનો.
અનુબંધ ન હોત તો
સંસાર ન હોત
કર્મના બંધ થવા માત્રથી કાંઈ સંસાર ચાલતો નથી; એ આગળ વધી શકતો નથી.
પાપકર્મ બાંધ્યું; ઉદયમાં આવ્યું; દુઃખ પડયું... ભોગવાઈને ખરી ગયું.
પુણ્યકર્મ બાંધ્યું; ઉદયમાં આવ્યું; સુખની સામગ્રી મળી... એને ભોગવતાં એ કર્મ ખરી ગયું.
આમ આત્મા ઉપરથી-બંધાયા બધાય કર્મો ખરી પડતાં હોય છે. કર્મો ખરી પડે એટલે જ મોક્ષ થાય.
પણ તો કેમ આપણો મોક્ષ ન થયો? સુખ દુઃખ તો ખૂબ ભોગવ્યાં; એ ભોગવતી વખતે પૂર્વે બાંધેલાં કર્મો ખરી પણ ગયાં; છતાં મોક્ષ કેમ ન થયો? એનું કારણ અનુબંધ છે.
કર્મો બાંધતી વખતે મનમાં જે સંસ્કાર પડી જાય છે તે ઉદયકાળે જાગ્રત થાય છે અને મનને ફરી નવો કર્મબંધ કરવાની પ્રેરણા કરતા રહે છે. આથી જૂનાં કર્મો ખરવાની સાથે નવા કર્મો બંધાઈ પણ જાય છે. જ્યાં સુધી અનુબંધોને તોડી નાંખવામાં આવે નહીં ત્યાં સુધી આ કર્મબંધની પરંપરા ચાલુ જ રહે છે. આથી જ આપણા સંસારનો હજી અંત આવ્યો નથી.