________________
નહિ એસો જનમ બાર-બાર
૩૧
આ જ રીતે અન્યાય, અનીતિ, જૂઠ, હિંસા, અમેત્રી વગેરે અવગુણ હોવા છતાં ધર્મ ખાતર એનો આશ્રય લેવો પડે તો તે બધા ય ગુણ બની જાય છે.
ન્યાય કરવા જતાં કોઈ ભયાનક કલેઆમ સર્જાતી હોય તો નછૂટકે અન્યાય પણ કરવો ઘટે.
શિકારીના હાથમાં પશુ ન જાય તે માટે બીજે રસ્તે દોરવી દેવા માટે જૂઠ પણ છેવટે બોલવું પડે.
ધર્મદ્રોહીઓ સાથે અમેત્રી પણ દાખવવી પડે અને ભક્તિભાવથી ઓળઘોળ બનીને મહાઅહિંસક એવું સાધુ જીવન પામી શકાતું હોય તો ભક્તિમાં થોડી હિંસા પણ કરવી પડે.
જીવોને પમાડવા માટે પ્રવચન કરાય જ છે ને? તેમાં વાયુ-કાયની હિંસા ક્યાં નથી થતી? છતાં એ ધાર્મિક હિંસા હોઈને વસ્તુતઃ હિંસા નથી જ ગણાતી ને? સાધ્વીસંઘના શીલની રક્ષા કાજે આચાર્ય કાલકસૂરિજીને યુદ્ધની હિંસા પણ કરવી પડી હતી ને? કેમકે વસ્તુતઃ તે હિંસા જ ન હતી. કેટલી સૂક્ષ્મતા! જૈન દર્શન સિવાય આવું ક્યાં સાંભળવા મળે?
ભાવને સ્વભાવ બનાવો
રાગાદિના દુર્ભાવ જાય નહિ ત્યાં સુધી તો સાધનાના માર્ગે પગ મૂકવાની લાયકાત પણ પ્રાપ્ત થતી નથી.
પરંતુ દુર્ભાવ જવા માત્રથી કાંઈ સિદ્ધિ નથી મળતી...
દુર્ભાવના વિનાશ પછી સદ્ભાવની પ્રાપ્તિ પણ જરૂરી છે. ભાવ વિના ભવભ્રમણ મટે જ નહિ. દુકાળ પડયો છે સદભાવનો અને સંભાવનાઓનો. પોતાની શુદ્ધિ પામવાનો સદ્ભાવ ક્યાં જોવા મળે છે? સહુ એ શુદ્ધિ પામે એવી સંભાવના પણ ક્યાં જોવા મળે છે?
હજી એક ડગ આગળ ભરીએ. ભાવમાત્રથી પણ નહિ ચાલે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તો જગાડેલા એ સુંદર ભાવોને સ્વભાવશા બનાવી દેવા પડશે. જો ભાવ સારો હોય તો તે સ્વભાવ બને જ.
દયાદિનો એક જ સારો ભાવ સર્વ દુર્ભાવોનો નાશ કરીને સર્વ સદ્ભાવોને ઉત્પન્ન કરીને સ્વભાવદશાને પ્રગટ કરી જ જંપશે.