________________
૨૫૦
નહિ એસો જનમ બાર-બાર
ગયા વિના છૂટકો જ નથી, એ મહાત્મા તો કોઈપણ પાપથી કેટલા ગ્રૂજતા હોય! શી રીતે એ પાપ કરી જ શકે? - જો એ મૃત્યુનું, એ કરુણતાઓથી ભરેલા જીવનનું અને એ જન્મોની વેદનાનું શાસ્ત્રચક્ષુથી બરોબર ભાન થઈ જાય તો પાપ કરવાનું જરાય સહેલું નથી. અરે! પાપ થવું જ મુશ્કેલ છે.
જેઓ પાપ કરે છે એમને આવી પરલોકદૃષ્ટિ પ્રાપ્ત નથી જ થઈ એમ કહેવામાં કશું ય ખોટું નથી.
એક મૃત્યુનો ભય જો ધ્રુજાવી મૂકતો હોય અને નામચીન તોફાનીને ઠેકાણે લાવી દેતો હોય તો સાચી સમજણ સાથેનો અનંત મૃત્યુનો ભય માણસને કેમ નિષ્પાપ ન બનાવી દે?
સંસારનું સુખ એક વાર ભોગવતાં સાધુને ૯ લાખ સગર્ભા સ્ત્રીઓની અને તેમના કાચા ગર્ભની પૂરી ક્રૂરતા સાથે હત્યાનું ઘોરાતિઘોર પાપકર્મ બંધાય એવું સંબોધસિત્તરિ શાસ્ત્રમાં જે વાંચે તે સાધુ કદી પણ એવા પાપો કરી શકે ખરો?
હા... હૈયાવિહોણાંઓની તો આખી વાત જ જુદી છે. તેલનો વાટકો લઈને આખા નગરમાં ફરનારને, રાજાએ સાધુઓના નિષ્પાપ જીવનની કેવી પ્રતીતિ કરાવી દીધી હતી?
કાણાંની કાળજી નહિ કરો તો બાકોરાં પડયાં વિના નહિ જ રહે
મોટા મોટા પાપોને જ જો પાપ માનવામાં આવશે અને એ પાપોને તાણી લાવનારા નાના દોષો પ્રત્યે જો બેદરકારી રાખવામાં આવશે તો એ આત્મા ગમે તેવો પંડિત હોય, શાસ્ત્રજ્ઞ હોય, તપસ્વી હોય કે ખાનદાન પણ હોય એને ભગવાન પણ મહાપાપના પતનથી બચાવી ન શકે.
વ્રતની વાડને પણ વ્રતની જેમ જ પાળવી પડશે.
સરહદોની પાસે આવેલા નાના નાના રાજ્યો તરફ બેદરકાર રહેનાર મોટો રાજા એકાએક પદભ્રષ્ટ થાય છે.
નાવડીમાં પડેલા કાંણાઓની ઉપેક્ષા કરનારનું નાવડું એક દી બાકોરું જુએ છે અને એકદમ ડૂબી જાય છે.