________________
૨૪
નહિ એસો જનમ બાર-બાર
કોઈ માનસિક ભૂલ કરી બેસે તો ઘણા બધા ભાવરોગીઓના જન્મ-મરણ વધી જાય અને એમાં નિમિત્ત બની જનાર સંતના સંસારની વૃદ્ધિ તો અપાર જ બની રહે ને?
ખૂબ ગંભીરતાથી આ વાત વિચારાશે તો જ સમજાશે. એ કયા સંદર્ભમાં કહેવાઈ છે તે ઠીક ઠીક નજરમાં આવી જશે.
ભાગ્ય બળવાન કે પુરુષાર્થ ?
ભાગ્યમાં લખાયું હોય તે જ બનવાનું છે એ વાત એકદમ નિર્વિવાદ છે. તો શું ધર્મ માટે કોઈ પુરુષાર્થ ન જ કરવો ને? જે કાળે દીક્ષા ઉદયમાં આવવાની છે તે કાળે અને તે જ કાળે ઉદયમાં આવશે, વહેલી ઉદયમાં લાવવાના ધમપછાડા શા માટે કરવા?'
હા... વાત તો બરોબર છે; તદ્દન સાચી પણ છે. પરંતુ દુ:ખ એક જ વાતનું થાય છે કે તમે ન્યાય બધેય સરખો રાખતા નથી.
જેવું ધર્મની બાબતમાં ભાગ્યનું નિશ્ચિતપણું છે તેવું સંસારની પ્રત્યેક બાબતમાં પણ છે જ; તો હવેથી પૈસા કમાવવાનો, છોકરા પરણાવવાનો. થાળીમાં પડેલું ભોજન મોંમાં નાખવાનો, મોંમા આવેલું ભોજન દાંતથી ચાવવાનો.... કોઈ પણ પુરુષાર્થ કરો મા... કેમ કે જે કાળે જે બનવાનું છે તે બનવાનું જ છે. તમારે પુરુષાર્થ કરવાની કશી જરૂર નથી.
પણ સંસારની બાબતમાં તો બધે ય પુરુષાર્થ જ ધમધમે છે. ભાગ્યની વાતને તો હસી નાખવામાં આવે છે. બસ તો પછી ધર્મની વાતમાં પણ એ જ ન્યાય રાખો.
સાચી વાત એ છે કે બધું જ નિયત હોવા છતાં, “ક્યા કાળે શું બનવાનું છે!' એ વાતની જેવી કેવળજ્ઞાની ભગવંતને પૂરી ખબર છે તેવી આપણને તો જરાય ખબર નથી. માટે જ આપણે બધી વાતમાં પુરુષાર્થ જ કરતા રહેવો પડે છે. પછી ધર્મની બાબતમાં ભાગ્ય ઉપર વાતોને મૂકી દઈએ તો ધર્મ નહિ કરવા માટેની વૃત્તિને જ છતી કરી દે છે!