________________
નહિ ઐસો જનમ બાર-બાર
જેમ સંસારદૃષ્ટિનો વિકાસ વધે તેમ જીવ વચ્ચેની અસમાનતા વધે.
આથી જ મગના સો દાણાઓમાં સો જીવ હોવા છતાં તેને પકાવીને ખાવા કરતાં માછલીના માંસના ભોજનમાં વધુ પાપ કહ્યું છે. મગના દાણાના જીવો એકેન્દ્રિયત્વની અતિઅલ્પ વિકસિત દશામાં છે જ્યારે માછલીનો જીવ પંચેન્દ્રિયત્વની વિશિષ્ટ વિકસિત અવસ્થામાં છે.
માટે જીવમાત્ર સમાન છે... “શિવ' સ્વરૂપની અપેક્ષાએ. જીવમાત્ર અસમાન છે. સંસાર સ્વરૂપની અપેક્ષાએ. જૈનદર્શનનો આ અનેકાંતવાદ સમજ્યા વિના કોઈ સત્ય હાથ લાગે તેમ નથી.
નિર્દોષ અને અચિત્ત બટાટા વગેરે
પણ સાધુથી ન વપરાય કેટલાક બંધુઓ પ્રશ્ન કરે છે કે જે ચીજ સાધુ માટે બનાવેલી ન હોય અને જીવરહિત (અચિત્ત) બની ગયેલી હોય તેવું દૂધીનું શાક વગેરે જે સાધુથી ભિક્ષામાં લઈ શકાય તો ઘર માટે જે સમારીને બનાવેલું બાફેલા બટાટાનું શાક પણ તેમનાથી કેમ ન લઈ શકાય? તે પણ દૂધીના શાક વગેરેની જેમ નિર્દોષ અને અચિત્ત તો છે જ
ને?
દેખીતી રીતે આ તર્ક સુંદર લાગે છે પરંતુ આનો પ્રત્યાઘાત બહુ ભયાનક છે.
અચિત્તતા અને નિર્દોષતાની દૃષ્ટિએ જ કાંઈ દરેક ચીજ ભિક્ષામાં લેવાતી નથી. તેમાં બીજી પણ અનેક બાબતો વિચારવાની હોય છે. જો માત્ર આ જ બે બાબત જોવાની હોય તો ઘરમાં સમારેલી માછલીનું માંસ પણ સાધુ કેમ ન લે? એ પ્રશ્ન પણ કરવામાં આવશે.
આથી જ દરેક વસ્તુની મર્યાદાઓ હોય છે. તર્ક પણ તેટલી જ મર્યાદા સુધી જઈ શકે જ્યાં સુધી બીજો કોઈ પ્રત્યાઘાત જન્માવતો પ્રસંગ ઊભો ન થાય.
અહીં જે વિચારણીય (ટેકનિકલ પોઈન્ટ!) મુદ્દો ઉપસ્થિત થાય છે તે એ છે કે જો આ રીતે સાધુઓ બટાટા, માછલી વગેરે વાપરતા થઈ જાય તો પછી ગૃહસ્થો જ કહેશે કે, “સાધુ વાપરે છે તે ચીજ વાપરવામાં આપણને શું વાંધો?'' આમ થતાં સમગ્ર સંઘમાં બટાટા, માછલીનો આહાર ચાલુ થઈ જશે. આ કેટલો ભયાનક પ્રત્યાઘાત છે?