________________
૧૫૨
નહિ એસો જનમ બાર-બાર
લાખો ધર્મક્રિયાઓને જગતમાં ફરતી ચલણી નોટો કહીશું. - હવે જો સોનાની જમાવટ થતી જ ન હોય; બલકે, રહ્યું સહ્યું સોનું પણ નાશ થવા બેઠું હોય અને બીજી બાજુ ધર્મક્રિયાઓ વધતી જ જતી હોય તો એમાં ફુગાવાનું દર્શન કરવું જોઈએ. આવી ધર્મનિરપેક્ષ ધર્મક્રિયાઓ તો આત્માની સદ્ધરતા માટે ભારે ખતરારૂપ બની જાય તો ય નવાઈ નહિ.
વર્તમાનકાળની ધર્મક્રિયાઓ જો ધર્મનિરપેક્ષ બની હોય તો તેની વૃદ્ધિથી કોઈ પણ શાણો સમજદાર માણસ પ્રમોદ ન અનુભવતા ખિન્ન થાય. બેશક, એ ધર્મક્રિયાની વૃદ્ધિમાં રૂકાવટ ન જ ઊભી કરવી જોઈએ પરંતુ એની સામે રાગદ્વેષની મંદતા જીવનમાં આત્મસાત્ થતી જાય એવા પ્રકારનો નિશ્ચયમુખી ઉપદેશ ક્રિયાપ્રેમી વર્ગને અવશ્ય આપવો જોઈએ.
ધર્મસ્થાનોમાં માત્ર ધસારો નહિ ચાલે;
ઘસારો પણ જોઈએ ભોગોની કારમી ભૂખથી પીડાતા અતૃપ્ત માનવોની વાત હમણાં બાજુ ઉપર રાખીએ. જે લોકો ધર્મબુદ્ધિથી ધર્મસ્થાનોમાં જાય છે તેમને મારે કહેવું છે કે એકલો ધસારો નકામો બની જશે. હજારો લાખો ભાવુકો ધર્મસ્થાનોમાં રોજ દોડે છે પણ આ માત્ર ધસારો હોય છે. જો આ લોકોના અંતરમાં ઊભરાઈને ગંધાઈ ઊઠેલા રાગદ્વેષને જરાય ઘસારો નહિ પહોચે તો પેલા ધસારાનો ઝાઝો અર્થ તો ન જ રહે. વર્ષો સુધી એકધારી રીતે ધર્મસ્થાનોમાં જતા ભાવુકોના જીવનમાં રાગ-દ્વેષ જરાય મોળા ન પડે એ તો કેવું આશ્ચર્ય? પરિસ્થિતિ તો ખૂબ જ વિચિત્ર બનેલી દેખાય છે. ધર્મસ્થાનોમાં ય ધનની પ્રતિષ્ઠા વધતી જાય એવા દેખાવો ધનપતિઓ કરે છે! ભોગની ભૂખ વધારી મૂકે એવા જંતરમંતરના પ્રયોગો કેટલાક સાધુ-સંન્યાસીઓ કરતા હોય છે. તપસ્વીઓના તપના પારણાં જોતાં જ મન ઉદાસ થઈ જાય છે.
જો ધર્મસ્થાનોમાં ય રાગ-દ્વેષ મરવાને બદલે તગડા થશે તો જગતમાં બીજું તે એવું કોણ છે કે તમારા રાગદ્વેષના મળોનો નાશ કરે ?
જો રાગ-દ્વેષ જીવતા રહેશે અને તગડા બનતા જશે તો આ આખી દુનિયા ધોળે કપડે ફરતા રાક્ષસોની જ બની જશે. આવી ભયાનક દુનિયા આજે ય ક્યાં નથી જોવા મળતી?
ધનપતિઓ તો ગામગામના ઘેઘૂર વડલા બનીને કેટલાય દુઃખિતોને શીળી