________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૫
આસક્તિને વધુ પોષણ મળતાં સ્વજીવની હત્યા થાય છે. પરની અલ્પહત્યા કરતાં પણ સ્વની હત્યા વધુ ખરાબ છે. સ્વની હત્યાને કોઈ પણ રીતે નિવારવી જ જોઈએ.એમાં જ સ્વની મુક્તિ સમાયેલી છે. મુક્તિ મળ્યા બાદ સર્વ પરજીવ હત્યા બંધ થઈ જાય છે.
ધર્મ આજ્ઞામાં છે; અહિંસામાં નથી.
‘અહિંસા પરમોધર્મઃ’ એ જૈનોનું સૂત્ર નથી. જૈનો તો કહે છે; ‘આણાએ ધમ્મો.' અહિંસા એ જ પરમધર્મ નથી; પરંતુ જિનાજ્ઞાનું પાલન એ જ પરમધર્મ છે. દેખીતી રીતે લાગતી હજારો હિંસાઓ એવી છે કે જેના કરવાથી આત્માનું ઉત્થાન થતું હોય... અને જેને નહિ સેવવાથી એ ઉત્થાન બાધ્ય બનતું હોય.
આવી દેખીતી હિંસા પણ અનુબંધમાં અહિંસા બની જાય છે. એથી જ એ બધી જિનની આજ્ઞાથી વિહિત છે. નિષિદ્ધ નથી.
આજ કારણે જિનપૂજાની દેખીતી હિંસાને ગૃહસ્થો સેવે છે અને નદી ઊતરવાની જલહિંસાને સાધુઓ પણ સેવે છે. શાસનના કોઈ પણ અંગ (દેરાસર, પ્રતિમા, સાધુ, સાધ્વી વગેરે.) ઉપર આવતાં આક્રમણોને ખાળવા જ રહ્યાં. એમ કરવા જતાં જે હિંસા કરવી જ પડી તે અંતે તો આજ્ઞાવિહિત છે. જો એવાં આક્રમણોને ખાળવાના પ્રસંગે ‘અહિંસા પરમોધર્મ' સૂત્રનો આશ્રય લઈને ઉપેક્ષા સેવાય તો એ અનપઢ આત્મા બહુલ સંસારી બને.
આજ્ઞા જ ધર્મ છે, એ વાત બરોબર સમજી રાખવી ઘટે.
હા અનુબંધમાં અહિંસાને જ અહિંસા કહીએ તો એ અર્થને સાપેક્ષ રહીને અહિંસાને ધર્મ કહેવામાં કશો વાંધો નથી.
અધ્યાત્મસાર ગ્રંથમાં મહોપાધ્યાયજીએહિંસા-અહિંસાના હજારો રૂપાંતર થઈ જાય તેમ કહ્યું છે. એના અગણિત સૂક્ષ્મ ભેદો જણાવ્યા છે. નયનિક્ષેપનો જાણકાર જ એને સમજી શકે.
સાત અભવ્યો
અભવ્ય આત્માઓની સંખ્યા તો અનંત છે. શાસ્ત્રમાં જુદે જુદે ઠેકાણે સાત અભવ્યોના નામો આવે છે.