________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપૂજા
૩પપ આનંદ, પૂર્ણાનંદ ત્યારે અનુભવાશે અને સાધનાપથનું મૂલ્ય ત્યારે સમજાશે. ભાવપૂજાની આ પ્રક્રિયા કોરી કલ્પના નથી, પરંતુ રસભરપૂર કલ્પનાલોક છે. વિષયવિકારોનું નિરાકરણ કરવાનો પ્રશસ્ત પથ છે, રચનાત્મક માર્ગ છે. સ્નાનથી માંડીને નવાંગી પૂજન સુધીનો ક્રમ બરાબર ગોઠવી લો.
क्षमापुष्पसज धर्मयुग्मक्षौमद्वयं तथा।
ध्यानाभरणसारं च तदङ्गे विनिवेशय ।।३।।२२७ ।। અર્થ : તે આત્માના અંગે મારૂ૫ ફૂલની માળા, નિશ્ચય અને વ્યવહારધર્મરૂપ બે વસ્ત્ર અને ધ્યાનરૂપ શ્રેષ્ઠ અલંકાર પહેરાવ.
વિવેચન : તે આતમદેવના ગળામાં આરોપવાની માળા તેં ગુંથી? એ માળા તારે જ ગૂંથવાની છે! ક્ષમાનાં મઘમઘ સોડમવાળાં પુષ્પોની માળા ગૂંથીને તૈયાર રાખ.
ક્ષમાનાં એક-બે પુષ્પો નહીં, ક્ષમાની માળા એટલે એક-બે વાર ક્ષમા આપવાથી નહીં ચાલે, વારંવાર ક્ષમા આપવી પડશે. ક્ષમાને વક્ષ:સ્થળે જ રાખવી. ક્ષમાનાં પુષ્પોની સુવાસ જ તારા અંગેથી છૂટતી રહે! જે મનુષ્યના ગળામાં ગુલાબનાં પુષ્પોની માળા પડેલી હોય તે મનુષ્ય પાસે કોઈ જાય તો એને શાની સુવાસ આવવાની? ગુલાબની! એમ છે સાધક! કોઈ તારી પાસે આવે, ક્ષમાની સુવાસથી તે તરબોળ થઈ જાય - પછી તે સાધુ હો યા ડાકુ, જ્ઞાની હો યા અજ્ઞાની, નિર્દોષ હો યા દોષિત!
જોજે, એ ક્ષમાનાં પુષ્પ કરમાઈ ન જાય. એને તાજાં રાખજે. ક્ષમા ક્યારે આપવાની તક મળે? જ્યારે કોઈ આપણી સાથે ક્રોધ કરે, દ્વેષ કરે, આપણી નિંદા કરે કે અપમાન કરે ત્યારે. આવા પ્રસંગે આપણે ક્રોધ નહીં કરવાનો, વળતા પ્રહારો નહીં કરવાના.. એના પ્રત્યે અણગમો ય નહીં કરવાનો! આનું નામ ક્ષમા, આત્માના ગળે ક્ષમાનાં સુગંધી પુષ્પોની માળા પહેરાવવાનું આ રહસ્ય છે. આત્માની આ પુષ્પપૂજા છે..! આ રહસ્યના પ્રતીકરૂપે ગૃહસ્થ પરમાત્માની મૂર્તિને પુષ્પ ચઢાવે. પુષ્પની માળા પહેરાવે.
નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મ-આ બે સુંદર વસ્ત્ર આપણા આતમદેવને પહેરાવવાનાં છે. શરીર પર બે વસ્ત્ર તો જોઈએ ને? એક અધો વસ્ત્ર અને બીજું ઉત્તરીય વસ્ત્ર આતમદેવનાં બે વસ્ત્ર છે નિશ્ચય અને વ્યવહાર. એકલા નિશ્ચયથી ન ચાલે ને એકલા વ્યવહારથી ન ચાલે. વ્યવહારધર્મ અધોવસ્ત્ર છે અને નિશ્ચય ઉત્તરીય વસ્ત્ર. સમજીએ બન્નેને!
For Private And Personal Use Only