________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
Suસાર રાગને હેય બતાવ્યો છે તે જ તીર્થકરે પ્રશસ્ત રાગને ઉપાદેય કહ્યો છે. આ સાપેક્ષ દૃષ્ટિ છે.
પ્રશ્ન : ભલે પ્રશસ્ત રાગ ઉપાદેય છે, એ સમજાયું. પરંતુ પરમાત્મપૂજનમાં પાણી, પુષ્પ, ધૂપ, દીપ વગેરેમાં હિંસા થાય છે, તો એવી ક્રિયા કેમ થાય? જે ક્રિયામાં હિંસા હોય તે બ્રહ્મયજ્ઞ” કેવી રીતે કહેવાય?
સમાધાન : પરમાત્માની દ્રવ્યપૂજામાં સ્વરૂપહિંસા રહેલી છે. પરંતુ અનેક આરંભ-સમારંભમાં રહેલા ગૃહસ્થ માટે દ્રવ્યપૂજા આવશ્યક છે. સ્વરૂપહિંસાથી થતો કર્મબંધ નહિવત્ હોય છે. તેનો નાશ એ દ્રવ્યપૂજામાંથી ઉદ્ભવતા શુભ ભાવો દ્વારા થઈ જાય છે. ગૃહસ્થ શુદ્ધ જ્ઞાનદશામાં રમણ કરી શકતો નથી, તે માટે દ્રવ્યક્રિયા કરવી અનિવાર્ય છે. દ્રવ્યપૂજાના માધ્યમથી જીવનો પરમાત્મા પ્રત્યે પ્રશસ્ત રાગ બંધાય છે. એ રાગથી પ્રેરાઈને પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાની શક્તિ મળે છે. એ શક્તિ વધતાં એ ગૃહસ્થજીવનને ત્યજી મુનિજીવનની કક્ષા પ્રાપ્ત કરે છે, ત્યારે તેને માટે કોઈ દ્રવ્યક્રિયા કે જેમાં સ્વરૂપ-હિંસા પણ લાગતી હોય છે, તે કરવાની રહેતી નથી.
એક મુસાફર છે. ગરમીના દિવસોમાં મુસાફરી કરી રહ્યો છે. મધ્યાહ્નનો સમય છે. મુસાફરને તરસ લાગી રહી છે. ચારે કોર જુએ છે, કોઈ કુવો કે પરબ દેખાતી નથી. આગળ વધે છે. એક નદી આવી. પણ નદી સૂકી છે. તે વિચાર કરે છે, “થાકી ગયો છું... તરસ લાગી છે. શું કરું? આ નદી છે. ખાડો ખોદું તો પાણી મળે, પણ થાકી ગયો છું... ખાડો ખોદવા જતાં કપડાં પણ મેલાં થશે..' તેણે ઘણો વિચાર કર્યો... પણ હા, ભલે થાક લાગે ને કપડાં બગડે, પરંતુ પાણી નીકળતાં તૃષા છિપાશે, થાક ઊતરી જશે, અને કપડાં પણ સ્વચ્છ કરી શકાશે.” આ વિચારે તેનામાં ઉત્સાહ પ્રેર્યો અને તેણે ખાડો ખોદ્યો, પાણી મળ્યું. પેટ ભરીને પીધું, સ્નાન કર્યું અને કપડાં ધોયાં...
તેમ, જિનપૂજામાં ભલે સ્વરૂપહિંસાથી થોડોક આત્મા મલિન થાય, પરંતુ એ જિનપૂજા દ્વારા જ્યારે શુભ અને શુદ્ધ અધ્યવસાય પ્રગટ થશે ત્યારે આત્માનો બધો મેલ ધોવાઈ જશે... ભવભ્રમણનો બધો થાક ઊતરી જશે અને પરમાનંદની પ્રાપ્તિ થશે. આ રીતે ગૃહસ્થ બ્રહ્મયજ્ઞ કરવાનો છે. જ્યારે સંસારત્યાગી અણગારને તો જ્ઞાનનો જ બ્રહ્મયજ્ઞ કરવાનો છે. એને જિનપૂજાનું દ્રવ્ય-અનુષ્ઠાન કરવાનું રહેતું નથી.
For Private And Personal Use Only