________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકસંજ્ઞાત્યાગ
૨૭૩
મોક્ષાર્થી નથી હોતા! વચલાં સ્વર્ગ વગેરે સ્ટેશનોએ ઊતરી જનારા હોય છે! અરે, મોક્ષની કલ્પના વિના પણ મોક્ષમાર્ગે ચાલનારા મનુષ્યો જોવા મળે છે...! આત્મવિશુદ્ધિની અભિલાષા લોકોત્તર માર્ગમાં પણ બહુ થોડાં જીવોમાં હોય છે.
લોકોત્તર-જિનભાષિત માર્ગમાં પણ લોકસંજ્ઞા સતાવી જાય છે. અનાદિકાલીન આ સંજ્ઞા, બીજી સંજ્ઞાઓ પર સંયમ રાખનારને પણ સતાવી શકે છે! આહારસંજ્ઞા પર કાબૂ મેળનાર, તપસ્વી હોય, માસખમણ, અઠ્ઠાઈ, અઠ્ઠમ... છઠ, ઉપવાસ અને વર્ધમાન આયંબિલ તપની દીર્ઘ આરાધના કરનારને પણ લોકસંજ્ઞા-લોકપ્રશંસા નડી જાય છે. મૈથુનસંજ્ઞાને વશ કરનાર, બ્રહ્મચર્યનું સુંદર પાલન કરનારને પણ લોકસંજ્ઞા પીડી જાય છે! પરિગ્રહ સંજ્ઞાને નાથનાર, નિષ્પરિગ્રહી મહાત્માઓને પણ લોકસંજ્ઞા નચાવી જાય છે... ને આ બધી વાતોને પુષ્ટ કરનારાં દૃષ્ટાંતો ઇતિહાસના પાને નોંધાયેલાં પડ્યાં છે. પ્રત્યક્ષ પણ આ દૃષ્ટાંતો જોવા નથી મળતાં?
મારી તપ-ત્યાગની આરાધના, મારી દાન-શીલની ઉપાસના, મારી પરમાર્થપરોપકારની સાધના, બીજાઓને જણાવું...લોકોની દૃષ્ટિમાં હું ‘મોટો માણસ' બનું...લોકોમાં મારી પ્રશંસા થાય... આ લોકસંજ્ઞાનું રૂપક છે. તેવી રીતે લોકપ્રશંસાનો કામી ધર્મઆરાધક મનુષ્ય પોતાના દોષોને છુપાવવા પ્રયત્ન પણ કરે છે... તેને ભયસંજ્ઞા પીડે છે... ‘મારા દોષો લોકો જાણી જશે તો મારી બદનામી થશે...‘-આ ચિંતા પણ તેને સદૈવ સતાવતી રહી છે.
લોકસંજ્ઞાની આ ખતરનાક કાર્યવાહી છે! લૌકિક માર્ગમાં તો તેનો બહુમુખી પ્રભાવ છે જ, લોકોત્તર માર્ગમાં પણ તેનો પ્રભાવ નાનોસૂનો નથી! લોકસંજ્ઞાની નાગચૂડમાં ફસાયેલો આત્મા મોક્ષમાર્ગની આરાધના ભૂલી જાય છે. આત્માનું લક્ષ ચૂકી જાય છે; માટે લોકસંજ્ઞાનો ત્યાગ કરવા અહીં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે.
જીવને સમજાવવું જોઈએ : ‘હે આત્મન્! આવો સર્વાંગસંપૂર્ણ સત્ય મોક્ષમાર્ગ પામીને, તું આત્માને કર્મોનાં બંધનોથી મુક્ત કરવાનો પ્રયત્ન કર. લોકોને ખુશ કરવાથી તારો આત્મા શુદ્ધ થવાનો નથી. તું એમ સમજે છે કે ‘મારી આરાધનાથી લોકો મારી પ્રશંસા કરે છે?' આ તારું અજ્ઞાન છે, લોકપ્રશંસા પુણ્યકર્મથી પ્રાપ્ત થાય છે. તારી પાસે જ્યાં સુધી પુણ્યકર્મ છે ત્યાં સુધી લોકો તારી પ્રશંસા કરશે. પુણ્ય પરવારી જશે પછી તારી સામે જોશે પણ નહીં. તારા કરતાં ચઢિયાતો કોઈ પુણ્યશાળી લોકોને મળશે તો તને ભૂલી જશે!
For Private And Personal Use Only