________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યસ્થતા
૧૭૭ વિવેચન : રાગ-દ્વેષની મંદતારૂપ મધ્યસ્થ દૃષ્ટિ પ્રાપ્ત કરવા માટે વિશ્વના જડચેતન દ્રવ્યોને, જડ-ચેતનના પર્યાયોને તેના વાસ્તવિક સ્વરૂપે જોવા જોઈએ. દરેક પરિસ્થિતિને, પ્રત્યેક પ્રસંગને અને એક-એક કાર્યને તેના યથાર્થ સ્વરૂપે જોવામાં આવે, અર્થાતુ વાસ્તવિક કાર્યકારણભાવને જોવામાં આવે, તો રાગદ્વેષ ન થાય.
કેવળજ્ઞાનની સાથે વીતરાગતાનો સંબંધ આ દૃષ્ટિએ યથાર્થ છે. કેવળજ્ઞાનમાં વિશ્વના પ્રત્યેક દ્રવ્ય... પર્યાય, સંયોગ, પરિસ્થિતિ અને દરેક કાર્ય. યથાર્થ સ્વરૂપે... વાસ્તવિક કાર્ય-કારણભાવરૂપે દેખાય છે, તેથી રાગ-દ્વેષ થતા જ નથી. તાત્પર્ય એ છે કે વિશ્વના પદાર્થોનું દર્શન જેમ જેમ યથાર્થ થતું જાય, તેમ તેમ રાગ-દ્વેષ મંદ થતા જવાના. રાગ-દ્વેષની તીવ્રતામાં યથાર્થ દર્શન થઈ શકતું નથી. રાગ-દ્વેષ વિશ્વના અસ્પષ્ટ અને ઊંધા દર્શનથી પેદા થાય છે.
પ્રસ્તુતમાં અહીં સંસારી જીવો પ્રત્યે જોવાનો એક એવો યથાર્થ દૃષ્ટિકોણ આપવામાં આવ્યો છે કે રાગ અને દ્વેષને મંદ થયે જ છૂટકો! જે જે કાર્ય, સંયોગ, પરિસ્થિતિ.. વગેરેમાં એ જીવો પ્રત્યે આપણને રાગ-દ્વેષ થાય છે, તે કાર્ય, સંયોગ, પરિસ્થિતિ વગેરે બધું તે તે જીવના પૂર્વકૃત કર્મોના અનુસાર સર્જાયેલું છે. કર્મોને ઉપાર્જન કરનાર એ જીવ છે અને તે કર્મોના ફળને ભોગવનાર પણ તે જીવ છે..
બીજા જીવની કોઈ એવી પ્રવૃત્તિ સાથે જ્યારે આપણે આપણો સંબંધ જોડી દઈએ છીએ ત્યારે રાગ અથવા ઢેષ થાય છે! બીજા જીવના સમગ્ર વ્યક્તિત્વના ઘડતરની પાછળ એનાં જ કર્મો કારણ છે...ઉપાદાનકારણ એનો આત્મા છે, નિમિત્તકારણ એના કર્મ છે, એ વાત હૃદયમાં જચી જાય, પછી રાગ-દ્વેષ થવાનું કાંઈ જ પ્રયોજન રહેતું નથી.
કોઈ એક નયવાદને પકડી, તેના આગ્રહી બની જનાર જીવો પ્રત્યે પણ આ જ દષ્ટિ રાખવાની છે. “મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયનું ફળ ભોગવે છે..” કર્મ બાંધનાર પણ એ છે, ભોગવનાર પણ એ છે, આપણે શા માટે રાગ-દ્વેષી બનવું?
પાપીમાં પાપી જીવ હોય, છતાં તેના તરફ આ દૃષ્ટિ રાખવાની છે. બિચારો, પૂર્વકૃત કર્મોને ભોગવી રહ્યો છે... આ સંસાર જ એવો છે...” અધ્યાત્મસાર' માં પૂજ્ય ઉપાધ્યાયજીએ કહ્યું છે :
For Private And Personal Use Only