________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૧૪૦.
જ મનનું મૌન. આ વચનનું મૌન.
તનનું મૌન. આત્માથી ભિન્ન અનાત્મભાવ-પોષક પદાર્થોનું ચિંતન ન કરવું. વિચાર ન કરવો-આ છે મનનું મૌન, હિંસા, ચોરી, જૂઠ, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ ઇત્યાદિના અશુભ પાપવિચારોનો ત્યાગ કરવો એ મનનું મૌન છે. પ્રિય પદાર્થનો સંયોગ થાઓ, અપ્રિય પદાર્થનો વિયોગ થાઓ; પ્રિયનો વિરહ ન થાઓ, આપ્રિયનો સંયોગ ન થાઓ...” આવા સંકલ્પવિકલ્પોનો ત્યાગ એ મનનું મૌન છે.
જૂઠાં વચન ન બોલવાં, અપ્રિય અને અહિતકારી વચનો ન બોલવાં, ક્રોધજન્ય, અભિમાનજન્ય, માયાજન્ય અને લોભજન્ય વચનો ન બોલવાં એ વચનનું મૌન છે. પુદ્ગલભાવોની પ્રશંસા અને નિંદા ન કરવી એ વચનનું મૌન છે.
કાયાથી પુદ્ગલભાવ-પોષક પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ તનનું મૌન છે. આ રીતે તન, મન અને વચનનું મૌન યથાર્થ મૌન છે. મૌનનું આ નિષેધાત્મક સ્વરૂપ છે; તેવી રીતે વિધેયાત્મક સ્વરૂપ પણ છે:
મનમાં આત્મભાવપોષક વિચાર કરવા, ક્ષમા-નમ્રતા-સરળતા-નિર્લોભતાની ભાવનાઓ ભાવવી, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ-ત્યાગના મનોરથ કરવા, આત્માના સ્વાભાવિક સ્વરૂપનું ધ્યાન ધરવું... વગેરે મનનું મૌન છે. એવી રીતે વાણીથી આત્મભાવપોષક કથા કરવી. શાસ્ત્રસ્વાધ્યાય અને પરમાત્મહુતિ વગેરે કરવું એ વચનનું મૌન છે. કાયાથી આત્મભાવ તરફ લઈ જનારી ક્રિયાઓ કરવી, તે તનનું મૌન છે.
મન-વચન-કાયાના યોગોની પુદ્ગલભાવોમાં નિવૃત્તિ અને આત્મભાવોમાં પ્રવૃત્તિ એ મુનિનું મૌન છે. એ મૌનને ધારણ કરતો મુનિ મોક્ષમાર્ગ પર આગળ વધતો જાય છે. આ મૌનથી આત્માના પૂર્ણાનન્દની અનુભૂતિ થાય છે. આવા મૌન દ્વારા જ આત્માની અનાદિકાલીન અશુભ વૃત્તિ-પ્રવૃત્તિનો અંત આવી શકે અને શુભ તથા શુદ્ધ વૃત્તિ-પ્રવૃત્તિઓ તરફ આત્મા ગતિ કરી શકે. આવા મૌનનો આદર કરવાની અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સહુને ભલામણ કરે છે.
For Private And Personal Use Only