________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
જ્ઞાનસાર
સ્કૂલમાં નહીં જાઉં... ઘેર રહીશ...મિત્રો સાથે ખેલ ખેલીશ... ટી.વી. જોઈશ...’
શું પુત્રની વાત યથાર્થ માની લેશો? તેની વિનંતીનો સ્વીકાર કરી તેની નિશાળ બંધ કરશો?
કોઈ સૈન્યનો સૈનિક પોતાના સેનાપતિ પાસે જઈ કહે : ‘સેનાપતિજી, તમે શા માટે અમને પરેડ કરાવો છો? શા માટે દોડાવો છો? શા માટે કસરત કરાવો છો? શા માટે રાઈફલ-મશીનગન ચલાવવાની તાલીમ આપો છો? બળ...શક્તિ... એ તો આત્માનો ગુણ છે. આત્મામાંથી પ્રગટ થાય છે... આ બધી તો બાહ્ય ક્રિયાઓ છે...ફોગટ છે...' સૈનિકની આ વાત શું તમને યથાર્થ લાગે છે? શું સેનાપતિ આવા સૈનિકને એક ક્ષણ પણ બરદાસ્ત કરે ખરા? તગેડી ન મૂકે?
તે તે આત્મગુણ પ્રગટ કરવા માટે તે તે બાહ્ય પવિત્ર...નિર્દોષ ક્રિયાઅનુષ્ઠાન કરવાં જ પડે છે. તો જ તે આત્મગુણ પ્રગટ થાય. અનંતજ્ઞાની પરમ પુરુષ તીર્થંકરદેવે જે જે કાયિક, વાચિક અને માનસિક ક્રિયાઓ, આત્મવિશુદ્ધિ માટે બતાવી છે, તે આદરપૂર્વક કરવી જ રહી, જો આત્મવિશુદ્ધિ કરવાની સાચી ભાવના હોય તો.
મુખમાં કોળિયો નાખ્યા વિના ભૂખની શાંતિ થઈ જાય ખરી? જો તૃપ્તિનું સુખ અનુભવવું છે તો મુખમાં કોળિયો નાખવાની ક્રિયા ક૨વી પડશે. તેવી રીતે પરમ આત્મસુખ અનુભવવું છે, તો તે માટેની આવશ્યક ક્રિયાઓ કરવી પડશે.
गुणवद्बहुमानादेर्नित्यस्मृत्या च सत्क्रिया ।
जातं न पातयेद् भावमजातं जनयेदपि । । ५ । । ६९ ।।
અર્થ : અધિક ગુણવંતના બહુમાનાદિથી તથા લીધેલા નિયમોને હમેશાં સંભાળવા વડે શુભ ક્રિયા ઉત્પન્ન થયેલા ભાવને ન પાડે, તેનો નાશ ન કરે, નહિ ઉત્પન્ન થયેલા ભાવને પણ ઉત્પન્ન કરે.
વિવેચન : અંતરાત્મામાં પ્રગટ થયેલા શુભ...પવિત્ર...ઉન્નત...મોક્ષાનુકૂલ ભાવ, એ તો આપણું અમૂલ્ય ધન છે; સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે. એ સંપત્તિનું સંરક્ષણ કરવું, એ આપણું અનિવાર્ય કર્તવ્ય છે. એ શુભ ભાવની સંપત્તિ દ્વારા જ આપણે પરમ પદની પ્રાપ્તિ કરી શકીશું.
ભાવોની એક ખાસિયત છે : જો પ્રતિસમયની સાવધાનીથી એ ભાવોનું રક્ષણ ન કરવામાં આવે તો એ ભાવો ચાલ્યા જાય છે! આવા ચંચળ શુભ
For Private And Personal Use Only