________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર તમે મોક્ષ-માર્ગનું જ્ઞાન મેળવી લીધું. આત્મા પર લાગેલાં અષ્ટ કર્મની જાળને પરખી લીધી, જાળને ભેદવાના સચોટ ઉપાયો પણ જાણી લીધા.... પરંતુ તે બધી જાણકારી મુજબ પુરુષાર્થ ન કર્યો તો એ જાણકારીનું કોઈ જ મૂલ્ય નથી. એ જાણકારીથી કોઈ જ અર્થ સરતો નથી.... બલકે ભારે અનર્થ સર્જાય છે.
મોક્ષમાર્ગને અનુકુળ ક્રિયાનો ત્યાગ કરી જે મનુષ્ય માત્ર મોક્ષમાર્ગના જ્ઞાનથી મોક્ષપ્રાપ્તિ કરવા ચાહે છે, તે તેની મિથ્યા ભ્રમણા છે. મોક્ષમાર્ગની ક્રિયાઓની ઉપેક્ષા કરનાર મનુષ્ય કોરા જ્ઞાનથી અભિમાની બને છે, સંસારવર્ધક ક્રિયાઓમાં રચ્યોપચ્યો રહે છે અને આત્માને મલિન કરતો ભીષણ ભવસમુદ્રમાં ડૂબી મરે છે,
મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આત્માની સત-ચિ-આનંદમય અવસ્થા પ્રાપ્ત કરવાની જ એક તમન્ના જાગી ગઈ છે? જો જાગી ગઈ છે તો જ્ઞાન અને ક્રિયા તમારા જીવનમાં આવ્યા વિના રહે જ નહિ. આ પ્રકૃતિનો સનાતન નિયમ છે કે જે વસ્તુ પ્રાપ્ત કરવાની તમન્ના જાગે છે, તે વસ્તુની ઓળખ, એને પ્રાપ્ત કરવાના ઉપાયો-જ્ઞાન અને એ વસ્તુ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થથયા વિના રહે જ નહિ.
જે મનુષ્યને ધન પ્રાપ્ત કરવાની તમન્ના જાગી ગઈ... તે ધન પ્રાપ્ત કરવાના ઉપાયોનું જ્ઞાન મેળવવા શું એ પુરુષાર્થ નથી કરતો? જો વૈજ્ઞાનિકને કોઈ એક ચમત્કારી શોધ કરવાની તમન્ના જાગી ગઈ, તો શું તે કાળો પુરુષાર્થ કરતો નથી સાંભળ્યો? તેવી રીતે જેમને, પોતાના આત્માને પરમ વિશુદ્ધ કરવાની તમન્ના જાગી ગઈ, તેમણે અગ્નિધીખતી શિલાઓ પર હાડચામને બાળી નાખ્યાની સત્ય હકીકતો નથી જાણી?
મોક્ષમાર્ગનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ એને અનુકૂળ પુરુષાર્થ કરવામાં જો જીવ પાછો પડે છે તો તેનું કારણ તેની સુખશીલતા છે, કષ્ટોને સહવાની કમજોરી છે. સાથે સાથે પાપક્રિયાઓનો રસ છે અને તે પાપક્રિયાઓનો ત્યાગ કરવાની શક્તિ નથી.
પરમાત્મ-ભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ-સૂત્ર-સ્વાધ્યાય, ધ્યાન, ગુરુસેવા, ગ્લાન-વૈયાવૃત્ય, પ્રતિલેખન, તપ-ત્યાગ વગેરે નિષ્પાપ ક્રિયાઓને આદરપૂર્વક અને વિધિસહિત કરનાર મનુષ્ય આત્મવિશુદ્ધિના માર્ગે પ્રયાણ કરે છે અને આત્મવિશુદ્ધિ કરીને રહે છે.
For Private And Personal Use Only