________________
એવાં મમ્મી-પપ્પાને પણ ‘જોઈ’ લેવા તને કોણે ઉશ્કેર્યો હતો ? મમ્મી-પપ્પાથી અલગ થઈ જવાનું ભૂત તારા મનમાં કોણે સર્જ્યું હતું? મમ્મી-પપ્પા પ્રત્યેના દુર્ભાવથી તારા ચિત્તને કલુષિત કોણે કર્યું હતું ?
ધન્યવાદના શબ્દો અભિવ્યક્ત કરવાને બદલે ફરિયાદો જ કર્યે જવાની વૃત્તિનો શિકાર તને કોણે બનાવ્યો હતો? ‘મમ્મી-પપ્પામાં અક્કલ ઓછી છે' આવી વિચારણા કરવા તને મજબૂર કોણે કર્યો હતો ? તને એક જ પરિબળ દેખાશે. ‘અહં.’ મનના આ ભયંકર સર્જનથી અકળાઈ જઈને જ એક શાયરે લખી દીધું છે ને કે,
‘આપણું દુઃખ તો દુઃખ નથી કાંઈ, રાઈનો કર્યો પહાડ;
અમરત જેવી ધરતી પર, વિષનાં વાવ્યાં ઝાડ.'
રાઈ જેવા દુઃખને પર્વત જેનું માની લેનાર અને અમૃત જેવા સંબંધમાં વિષનું વાવેતર કરનાર આ અહંને નંબર બે પર રાખી દેવા તું સજ્જ થઈ ચૂક્યો છે એ બદલ તને લાખલાખ ધન્યવાદ છે.
૫૬
મહારાજસાહેબ,
આપની વાત સાચી છે. ‘હું કંઈક છું’ અને ‘હું કંઈ જાણું છું’ અહંનાં આ બે સ્વરૂપનો શિકાર બની ચૂકેલો હું આજ સુધી તો માણસનું ખોળિયું જ ધરાવતો હતો. આપે આપેલી સમજણ પછી લાગે છે કે સાચા અર્થમાં હું માણસ બની રહ્યો છું.
મેં આપને પૂર્વના એક પત્રમાં પપ્પા પાસે ધન્યવાદના શબ્દો અભિવ્યક્ત કર્યા પછી સર્જાયેલા લાગણીસભર વાતાવરણની વાત લખી હતી. બન્યું એવું કે બીજે દિવસે બપોરે મમ્મી પાસે મારી પત્ની પહોંચી ગઈ. મમ્મીએ મારા લગ્ન પછી પત્નીના મોઢે જે શબ્દો ક્યારેય સાંભળ્યા જ નહોતા, એ શબ્દો એને સાંભળવા મળતાં એ તો સ્તબ્ધ જ થઈ ગઈ. એણે અર્થાત્ મારી પત્નીએ વાતની શરૂઆત જ આ રીતે કરી.
‘મમ્મી ! તમે મને વહુ માનો છો કે દીકરી ?’ ‘કેમ આમ પૂછવું પડ્યું ?'
૭૩
‘એટલા માટે કે આજ સુધી ભલે હું તમને ‘મમ્મી’ કહીને બોલાવતી હતી પણ હું તમને ‘સાસુ’ જ માનતી હતી અને એના જ કારણે તમારી સાથે સતત સંઘર્ષો કર્યા કરતી હતી. તમારી સાથે તડાફડીની ભાષામાં જ વાત કરતી હતી. તમારા દીકરાના કાનમાંય સતત તમારી વિરુદ્ધ ઝેર રેડ્યા કરતી હતી.
પણ, ગંભીરતાથી વિચારતાં આજે લાગે છે કે એ મારી ભૂલ હતી. વીસ વરસની વયે તો હું આ ઘરમાં આવી. છતાં પહેલે જ દિવસે આ ઘરના બધા જ સભ્યોને જે અધિકારો મળ્યા હતા એ અધિકારો તમે મને આપી દીધા. આ ઘરમાં રહેલી સ્થાવર-જંગમ મિલકતની મને જાણ કરી દેવામાં આવી. કબાટની ચાવી મારા હાથમાં આપી દેવામાં આવી. ઘરની ખાનગી પણ વાતો મારા પર કોઈ પણ જાતની શંકા રાખ્યા વિના મારી હાજરીમાં જ થવા લાગી. મારા સગવડ અને સુખ માટે ઘરમાં કેટલીક મોંઘી સામગ્રીઓ પણ વસાવવામાં આવી.
ટૂંકમાં, આ ઘર જાણે કે મને જ સોંપી દેવામાં આવ્યું છતાં બુદ્ધિની અવળચંડાઈએ મારી આંખે હકનો અને અહંનો અંધાપો સર્જી દીધો અને એ કારણે આ ઘરમાં દૂધમાં પડતી સાકરની જેમ ભળી જવાને બદલે પાણીમાં પડતાં તેલની જેમ હું અળગી ને અળગી જ રહી. સંઘર્ષો કરીને વાતાવરણને કલુષિત જ બનાવતી રહી.
મમ્મી ! મારા એ તમામ ગુનાઓને તમે માફ તો કરી જ દેશો પણ આજે હું તમારી પાસે એક જ ભીખ માગવા આવી છું. મેં તમને આજે મારા હૃદયમાં ‘મમ્મી’ તરીકે બિરાજમાન કરી દીધાં છે. તમે મને તમારા હૃદયમાં ‘દીકરી’ તરીકે સ્થાન આપી દો. આથી વધીને બીજું મારે કાંઈ જ જોઈતું નથી.’ મહારાજસાહેબ ! પત્નીના આ શબ્દો પછીના મમ્મીના પ્રતિભાવની અસરની વાત આપને પછીના પત્રમાં લખું છું.
૭૪