________________
એ રફુચક્કર થઈ ગયો. બે દિવસ પછી આખી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો. જેનો મેં હાથ પકડ્યો એણે મારી સાથે આવું વર્તન કર્યું ? ત્રણ દિવસ તો મને રાતે ઊંઘ ન આવી.
મહારાજસાહેબ ! માત્ર સંપત્તિના ક્ષેત્રે સહાય કરી એ ઉપકાર વીસરી જનાર નોકર પાછળ પણ જો આવું દુર્ભાન મને થયું હોય તો સ્વાચ્ય, સંસ્કરણ અને સંપત્તિ આ ત્રણેય ક્ષેત્રે જે બાપે પોતાના દીકરાને સહાય કરી હોય એ દીકરો બાપના એ ઉપકારને વીસરી જઈને એની સાથે તોછડું વર્તન કરવા લાગે ત્યારે બાપ મનથી ખળભળી ઊઠે, હૃદયથી તૂટી પડે એમાં કંઈ આશ્ચર્ય લાગતું નથી.
હું આપને ખાતરી આપું છું કે પપ્પાનું દિલ તોડવામાં નિમિત્ત બને એવું વર્તન હું ક્યારેય નહીં કરું. અને હા, મમ્મી-પપ્પાને સમય આપવાની બાબતમાં હવેથી હું પૂર્ણ સાવધ રહીશ. એમને આપેલો અડધા કલાક જેટલો પણ સમય જો એમના જીવનને પ્રસન્નતાથી તરબતર બનાવી દેવામાં નિમિત્ત બનતો હોય તો એમાં હું પાછો નહીં પડું. આ અંગે કંઈક વિશેષ સૂચન કરવા જેવું લાગતું હોય તો આપ ખુશીથી જણાવશો.
દર્શન, એક મહત્ત્વની વાત તારા ધ્યાન પર લાવવા માગું છું. જમીનની તાકાત એના પર ખાતર નાખવાથી વધે છે એ વાત જેટલી સાચી છે એટલી જ આ વાત સાચી છે કે એના પર ઍસિડ નાખવાથી એની તાકાત ખતમ થઈ જાય છે. જે વાત જમીન માટે છે, એ જ વાત જીવન માટે છે. જો જીવનની આ જમીન પર સતત ધન્યવાદની લાગણીનું ખાતર પડતું રહે છે તો જીવનની આ જમીન સગુણોનો જે પાક ઉતારે છે એની કલ્પના કરવી મુશ્કેલ છે પણ ધન્યવાદની લાગણીના ખાતરને બદલે સતત ઉપેક્ષાનો, અવગણનાનો કે ફરિયાદોનો ઍસિડ જ જો એના પર પડતો રહે છે તો જીવનની આ જમીનમાં ઊગેલો સદ્દગુણોનો થોડોઘણો પાક બળીને સાફ થઈ જાય છે. આ અંગેની વિશેષ વાત હવે પછીના પત્રમાં.
દર્શન,
તને એક વાતનો ખ્યાલ નહીં હોય કે ઉપેક્ષાનો ભાવ કે અવગણનાનો ભાવ કે ફરિયાદી વૃત્તિ જીવનને બંધ કરી દે છે જ્યારે ધન્યવાદની લાગણી જીવનને ખોલી દે છે. આ વાત હું તને એટલા માટે કરી રહ્યો છું કે લગભગ ઘરઘરની પરિસ્થિતિ આજે એવી સર્જાઈ છે કે ઉપકાર લેનાર પોતાના ઉપકારીને ક્યાંય, ક્યારેય ધન્યવાદ આપતો નથી અને અલ્પ પણ પ્રતિકૂળતા અનુભવાય છે તો ફરિયાદ કર્યા વિના રહેતો નથી.
હું તને પૂછું છું. ત્રીસ વરસની વય છે ને તારી અત્યારે ? તેં મમ્મી-પપ્પાએ તારા પર કરેલા સંખ્યાબંધ ઉપકારો બદલ એમને ધન્યવાદ વધુ વાર આપ્યા છે કે એમના તરફથી તારી સગવડો સાચવવામાં રહી ગયેલી કચાશ બદલ એમની પાસે ફરિયાદો વધુ વાર કરી છે?
તું જવાબ આપે કે ન આપે તારા સ્વભાવના આધારે હું કહી શકું છું કે ધન્યવાદ આપવાનું તને ક્યારેય સૂછ્યું જ નહીં હોય ! અને ફરિયાદ કરવાની એક પણ તક તેં જતી નહીં કરી હોય ! તમે મને ભણાવીગણાવીને તૈયાર કર્યો એ બદલ ધન્યવાદ નહીં પણ ‘તમે મને ધંધામાં આગળ વધવા માટેની જરૂરી રકમ આપી નહીં' એ બદલ ફરિયાદ ! ‘તમે તમારી સગવડોને ગૌણ બનાવીને પણ મારી સારસંભાળ કરી' એ બદલ ધન્યવાદ નહીં પણ ‘તમે મને આગળ વધવાની સ્વતંત્રતા આપી નહીં' એ બદલ ફરિયાદ !
દર્શન, લખી રાખજે તારી ડાયરીમાં કે ધન્યવાદનું સ્થાન ફરિયાદ ત્યારે જ લઈ શકે છે કે જ્યારે હૃદયમાંથી સ્નેહ અને પ્રેમની સરવાણી વહેવાની બંધ થઈ ગઈ હોય છે. જો એ ચાલુ હોય તો એ સરવાણીમાં ફરિયાદોનો કચરો તો વહી ગયા વિના રહેતો નથી. સામે ચડીને ઉપકારી પોતાના તરફથી થઈ ગયેલી ભૂલને કે રહી ગયેલી કચાશને કબૂલાત કરે પણ છે તોય આશ્રિત એ સાંભળવા તૈયાર નથી હોતો.
તું ઇચ્છે છે ને કે મમ્મી-પપ્પા તરફથી તને પ્રગટરૂપે સ્નેહ મળતો રહે? તો આટલું કરવા લાગ, જે મમ્મી-પપ્પાએ તને હૈયું આપવામાં કચાશ નથી રાખી એ મમ્મી-પપ્પા પાસે ધન્યવાદના શબ્દો બોલવા માટે હોઠ બંધ ન રાખ. અને ફરિયાદના શબ્દો બોલવા માટે હોઠ ક્યારેય ન ખોલ.